Vadodara

નાસ્તામાં વંદો નીકળતાં હનુરામ ફુડ્સ પર તંત્રની કાર્યવાહી, રૂ.10 હજારનો દંડ ફટકારાયો

વડોદરા: સંસ્કારી નગરી વડોદરામાં ખાણીપીણીની ગુણવત્તા સામે ફરી એકવાર ગંભીર પ્રશ્નાર્થ ઊભો થયો છે. શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલી પ્રખ્યાત હનુરામ ફુડ્સ માં પીરસવામાં આવેલા નાસ્તામાંથી જીવતો વંદો નીકળવાની ઘટના સામે આવતા ફુડ વિભાગ હરકતમાં આવ્યું છે. આ મામલે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી હોટલ સંચાલકને રૂ.10,000નો દંડ ફટકાર્યો છે.

મકરપુરા સ્થિત હનુરામ ફુડ્સમાં ગ્રાહક રઘુવીરસિંહ ગોહિલ પરિવાર સાથે નાસ્તો કરવા ગયા હતા. તેમણે ‘કચોરી ચાટ’ ઓર્ડર કરી હતી. નાસ્તો કરતા સમયે કચોરીની અંદરથી જીવતો વંદો નીકળતા પરિવાર સ્તબ્ધ થઈ ગયો હતો. આ ઘટનાથી ઘોર અસ્વસ્થતા ફેલાઈ હતી. ગ્રાહકે આક્ષેપ કર્યો હતો કે ગંદકીયુક્ત નાસ્તો ખાવાના કારણે તેમની પુત્રીની તબિયત બગડી હતી અને તેને ઉલટીઓ થવા લાગી હતી.
શહેરની નામી ફુડ આઉટલેટમાં આવી બેદરકારી સામે આવતા ગ્રાહકોમાં ભારે રોષ અને ભયનો માહોલ સર્જાયો છે. રઘુવીરસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, “અમે વિશ્વાસ રાખીને મોંઘી હોટલોમાં જઈએ છીએ, પરંતુ અહીં તો લોકોના સ્વાસ્થ્ય કરતાં કમાણી વધુ મહત્વની લાગે છે.”

ફુડ વિભાગની તાત્કાલિક કાર્યવાહી
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનો ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ એક્શનમાં આવ્યો હતો. ફુડ ઓફિસર ભરત વાંઢેની ટીમે હનુરામ ફુડ્સ પર તાત્કાલિક દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન કચોરીના નમૂનાઓ લઈ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા
કિચન અને પીરસવાની જગ્યાએ અસ્વચ્છતા જોવા મળતા સંચાલકને રૂ.10,000નો દંડ ફટકારાયો
શેડ્યુલ-4 મુજબ સ્વચ્છતા જાળવવા માટે કડક સૂચનાઓ સાથે નોટિસ પાઠવવામાં આવી
આ ઘટનાએ શહેરમાં ખાણીપીણીની દુકાનોની સ્વચ્છતા અને ગુણવત્તા ઉપર ફરી એકવાર સવાલ ઊભા કર્યા છે. તંત્ર દ્વારા ભવિષ્યમાં વધુ કડક ચેકિંગ કરવામાં આવશે તેવી પણ ચીમકી આપવામાં આવી છે.

Most Popular

To Top