મુખ્યમંત્રીએ નડિયાદના સંતરામ મંદિરમાં દર્શન કર્યા, સરદાર પટેલના જન્મસ્થાનની મુલાકાત લીધી આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખેડા જિલ્લાના નડિયાદ ખાતેથી રાષ્ટ્રધ્વજ લહેરાવી ૭૮માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણીનું નેતૃત્વ કરશે (પ્રતિનિધિ) નડિયાદ, તા.14
મુખ્યમંત્રી બુધવારે 14 ઓગસ્ટ 2024, 78માં સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ આયોજીત વિવિધ કાર્યક્રમોમાં સહભાગી થવા બપોરે નડીયાદ પહોચ્યા હતા. 78માં સ્વાતંત્ર પર્વની રાજ્યકક્ષાની ઉજવણીમાં સહભાગી થવા નડિયાદ ખાતે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ સ્થાને જઈને સરદાર સાહેબને આદરાંજલી અર્પણ કરી હતી. ત્યારબાદ મુખ્યમંત્રીએ નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરની મુલાકાત લઈ સંતરામ મહારાજની સમાધિ સ્થાનકના દર્શન કર્યા હતા અને અખંડ જ્યોત સમક્ષ મંગલ કામના કરી હતી. તો સાથે જ હિન્દુ અનાથ આશ્રમની મુલાકાત પણ લઈ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી સાથે પણ મુલાકાત કરી હતી.
આજે 15 ઓગસ્ટે નડિયાદમાં રાજ્યકક્ષાનો સ્વાતંત્રતા પર્વ ઉજવાશે. આ પૂર્વે 14 ઓગસ્ટના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ નડિયાદ ખાતે આવી પહોંચ્યા હતા. જ્યાં મુખ્યમંત્રીએ દેસાઈવગા સ્થિત સરદાર સાહેબના જન્મ સ્થળની મુલાકાત લીધી હતી. જ્યાં તેમનું ઢોલ નગારા સાથે ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ સરદાર પટેલ જન્મ સ્થળની સામે ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી ભાવાંજલી આપી હતી અને તે બાદ સરદાર સાહેબના જન્મ સ્થળે સરદાર પટેલના ફોટોને સુતરની આંટી પહેરાવી પુષ્પ અર્પણ કર્યા હતા. આ પછી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે માનવ સેવા એ જ પ્રભુ સેવાની ભાવનાને વરેલા નડિયાદના સુપ્રસિદ્ધ સંતરામ મંદિરની મુલાકાત લઈ સંતરામ મહારાજની સમાધિ સ્થાનકના દર્શન કર્યા હતા અને અખંડ જ્યોત સમક્ષ મંગલ કામના કરી હતી. મંદિરના સંત શ્રી નિર્ગુણ દાસ મહારાજ મુખ્યમંત્રીને આવકારી સમાધિ સ્થાને લઈ ગયા હતા અને આ દરમિયાન સંતરામ મહારાજ અને મંદિરની સેવાકીય પ્રવૃત્તિ અંગે જાણકારી પ્રદાન કરી હતી.
આ કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ મુખ્યમંત્રી નડિયાદના હિન્દુ અનાથ આશ્રમની મુલાકાત લીધી હતી. જ્યાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હિન્દુ અનાથ આશ્રમના પ્રમુખ દિનશા પટેલે અને ટ્રસ્ટીઓએ મુખ્યમંત્રીને આશ્રમ ખાતે આવકાર્યા હતા. અત્રે મુખ્યમંત્રીએ હિંદુ અનાથ આશ્રમમાં ગાંધી સરદાર સ્મૃતિ ભવનની ગાંધી અને સરદાર પટેલની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી વંદન કર્યા હતા. તેમણે ઙવનના મ્યુઝિયમની મુલાકાત લઈ ચિત્ર પ્રદર્શન નિહાળ્યું હતું. મુખ્યમંત્રીએ હિન્દુ અનાથ આશ્રમના ટ્રસ્ટીઓ અને સમિતિના સભ્યો સાથે આશ્રમના બાળકોના સર્વાંગી વિકાસ માટે વિચાર વિમર્શ કર્યો હતો. આશ્રમના સૌથી નાના બાળક દ્વારા મુખ્યમંત્રીનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું અને મુખ્યમંત્રીએ બાળકનું અભિવાદન કર્યું હતું. ત્યારબાદ મુખ્યમંત્રીએ આશ્રમમાં વૃક્ષારોપણ કર્યું હતું. આ પ્રસંગે ખેડાના સાંસદ દેવુસિંહ ચૌહાણ, ધારાસભ્યો પંકજભાઈ દેસાઈ, રાજેશ ઝાલા, અર્જુનસિંહ ચૌહાણ, યોગેન્દ્રસિંહ પરમાર, કલ્પેશભાઈ પરમાર, સંજયસિંહ મહિડા, નડિયાદ નગરપાલિકા પ્રમુખ કિન્નરીબેન શાહ, કલેકટર અમિત પ્રકાશ યાદવ, જિલ્લા વિકાસ અધિકારી એસ.ડી.વસાવા, જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયા, નિવાસી અધિક કલેકટર ભરત જોષી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક લલિત પટેલ હાજર રહ્યા હતા.