સ્થાયીની બેઠકમાં નવ કામોને મંજૂરી, અમદાવાદ દુર્ઘટનાના શોકમાં બે મિનિટ મૌન પળાયું
વડોદરા: મહાનગર પાલિકાની સ્થાયી સમિતિ સમક્ષ વિવિધ વિભાગોની કુલ 8 કામોની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. શુક્રવાર, તા. 13 જૂને યોજાયેલી બેઠકમાં આ તમામ દરખાસ્તોને સર્વાનુમતે મંજૂર કરી દેવાઈ છે. જોકે બેઠક શરૂ થતા પહેલા અમદાવાદમાં બનેલી દુઃખદ દુર્ઘટનાને લઈને સ્થાયી સમિતિએ બે મિનિટ મૌન પાળવામાં આવ્યું હતું. જે બાદ બેઠકની શરૂઆત કરાઈ હતી. નોંધનીય છે કે, અમદાવાદની ઘટનાને પગલે આજે સ્થાયી સમિતિની બેઠકમાં કોઇપણ વિવાદ વગર પૂર્ણ થઈ હતી. મંજૂર કરાયેલા કામોમાં પૂર્વ ઝોનમાં સિવિલ કામો, રસ્તા સુધારણા, વરસાદી ચેનલ, ઝાડોની કાપણી, ઢોર ડબ્બાની સંભાળ તેમજ ઝુના પ્રાણીઓ માટે ચારો ખરીદીના કામોનો સમાવેશ થાય છે. સાથે સાથે કેટલાક જૂના કન્સલ્ટન્ટના કરાર પૂર્ણ થતાં નવી એજન્સીઓની નિમણૂક કરવા માટેની દરખાસ્તને મંજૂર કરાઈ છે. જમીન મિલ્કત શાખા દ્વારા રજૂ દરખાસ્ત મુજબ સુભાનપુરા ટી.પી. સ્કીમ નં. 02 માં પોષણ યોજના માટે અક્ષયપાત્ર સંસ્થાને કેન્દ્રિય રસોડા માટેની જમીન ફરી પાંચ વર્ષ માટે રૂ. 1 પ્રતિ ચો.મી. ટોકન ભાડે આપવાની દરખાસ્તને મંજૂર અપાઈ છે. બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખાએ અગાઉ મુલતવી રાખાયેલ રૂપિયા પાંચ કરોડની મર્યાદાવાળી દરખાસ્ત ફરી રજૂ કરી હતી જેને પણ મંજૂર કરી દેવાઈ છે.
શ્રી સયાજીબાગ ઝુ વિભાગના પ્રાણીઓ માટે મગફળી અને સુકું ઘાસ જેવી વસ્તુઓ રૂ. 20.59 લાખના ખર્ચે ખરીદવા માટે ચિંતન સપ્લાયર્સ પાસેથી 22.73% ઓછા દરે ખરીદી કરવા મંજૂરી અપાઈ છે. સાઇનગરના ટી.પી. રસ્તે નવી વરસાદી ચેનલ બનાવવા માટે રૂ. 71.50 લાખના કામ માટે રત્નદીપ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ઇજારો અપાયો છે. ઓએસીસ એન્ટરપ્રાઇઝ પાસેથી રૂ. 1.5 કરોડ સુધીની ટ્રીમીંગ, ડિવાઇડર મેન્ટેનન્સ અને અર્બન ફોરેસ્ટ માટે સાધનો અને માનવશક્તિ પૂરાં પાડવાની દરખાસ્તને સર્વાનુમતે મંજૂરી મળી છે. સાથે જ ફલાયઓવર, રેલ્વે ઓવરબ્રીજ અને કલ્વર્ટ જેવા કામો માટે નવા 3 કન્સલ્ટન્ટ સાથે પેનલ બનાવી આગળની કામગીરી માટે સત્તા મ્યુનિસિપલ કમિશ્નરને સોંપવાની ભલામણને સ્વીકૃતિ મળી છે. અગાઉના કસાડ કન્સલ્ટન્ટ અને પંકજ પટેલ કન્સલ્ટન્ટના કરાર જુલાઈમાં પૂર્ણ થઈ રહ્યા છે. પાલિકા હસ્તકના ચાર ઢોર ડબ્બાની તમામ કામગીરી હવે આઉટસોર્સિંગથી ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દવા, ઘાસચારો, ટેગિંગ, સારવાર સહિતની કામગીરી માટે રૂ. 4 કરોડના ખર્ચની દરખાસ્ત સ્થાયી સમિતિએ મંજૂરી આપી છે. આઠ દરખાસ્તની સાથે એક વધારાની દરખાસ્ત પણ રજૂ કરી હતી. જેમાં અમદાવાદ શહેરમાં ગતરોજ વિમાન ક્રેશ દુર્ધટના અંતર્ગત વડોદરા શહેરનાં મૃત્યુ પામેલ વ્યક્તિઓના કુટુંબીજનોને અશુભ પ્રસંગ બેસણા અર્થે ઉપલબ્ધ અતિથિગૃહ કે કોમ્યુનિટી હોલને વિનામુલ્યે ફાળવવાની દરખાસ્તને પણ મંજૂરી અપાઈ છે.