Columns

દરેક સબંધ માટે જરૂરી

એક રિલેશનશીપ સેમીનાર હતો જેમાં જુદા જુદા સ્પીકરો જીવનમાં સબંધોનું મહત્વ, સબંધો કેવી રીતે બાંધવા, સબંધો કેવી રીતે મજબુત બનવવા અને તૂટતા સબંધોને કઈ રીતે ટકાવી રાખવા વગેરે વિષે સરસ વાતો સમજાવી રહ્યા હતા. એક સ્પીકરે સ્ટેજ પર આવી તરત સવાલ કર્યો કે ‘જીવનમાં કોઇપણ સબંધ હોય લોહીનો હોય કે લાગણીનો કે પછી કામ કાજના સાથી કે મિત્રતા દરેક સબંધને મજબુત બનાવવા માટે શું સૌથી જરૂરી છે?’ શ્રોતાઓમાંથીજુદા જુદા જવાબ આવ્યા કે સમય આપવો જરૂરી છે, પ્રેમ જરૂરી છે, સાથે રહેવું જરૂરી છે, એક મેકની પસંદ મળવી જરૂરી છે, લાંબા સમયનો સાથ જરૂરી છે, એક મેકનું સન્માન રાખવું જરૂરી છે.

સ્પીકરે કહ્યું, ‘તમારા બધાના જવાબ ખોટા છે તેમ નહિ કહું પણ મારા મતે દરેક સબંધ નવો હોય કે જુનો તે સબંધ લાગણીનો હોય કે લોહીનો બે વસ્તુ સૌથી વધારે જરૂરી છે.તે બે વસ્તુના પાયા પર જ ન તૂટે તેવી મજબુત સબંધની ઈમારત બાંધી શકાય છે.’ આટલું બોલી સ્પીકર અટક્યા અને બધા તેબે પાયા વિષે જાણવા આતુર બન્યા. સ્પીકરે પેન ઉપાડી અને વ્હાઈટ બોર્ડ પર બે શબ્દ લખ્યા પહેલો શબ્દ ‘વિશ્વાસ’ અને બીજો શબ્દ ‘સચ્ચાઈ’ આ બે શબ્દ વાંચીને શ્રોતાજનોએ તાળીઓ પાડી.

સ્પીકર આગળ બોલ્યા, ‘તમારી તાળીઓ કહે છે કે તમે મારી વાત સાથે સંમત છો કે કોઇપણ સબંધને મજબુત બનાવવા સબંધમાં સચ્ચાઈ અને વિશ્વાસ સૌથી વધુ મહત્વના છે. હવે એથી આગળ વધીને સમજાવું કે આ બે કેમ બહુ મહત્વના છે અને આ બંને એક મેક સાથે તાણાવાણાની જેમ વણાયેલા છે. જુઓ સમજો જો તમે કોઈ વ્યક્તિ પર વિશ્વાસ નહિ કરો તો તમે તેને કોઈ સાચી વાત નહિ કરો અને જો તમે સાચી વાત નહી કરો તો સામેવાળી વ્યક્તિ તમારી પર વિશ્વાસ નહિ કરે.’

સત્ય અને ભરોસો દરેક સબંધની પાયાની જરૂરિયાત છે અને અરસ પરસ આધારિત છે એ વાત સમજાવતા સ્પીકરે આગળ કહ્યું કે ‘જીવનમાં તમ્રે મજબુત સબંધો બાંધવા હોય અને ટકાવવા હોય તો દરેક સબંધમાં એટલા પ્રમાણિક રહેજો કે સામેવાળો વ્યક્તિ તમારી પર પૂર્ણ ભરોસો કરે. સચ્ચાઈ અને વિશ્વાસ દરેક સબંધની પાયાની જરૂરિયાત છે તેના પર જ મજબુત સબંધ બંધાય છે.’ સ્પીકરે સુંદર વાત સમજાવી.

Most Popular

To Top