( પ્રતિનિધિ )વડોદરા,તા.12
વડોદરા શહેરમાં અકસ્માતોનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. તેવામાં વધુ એક અકસ્માતની ઘટના કપુરાઈ ચોકડી પાસે બની હતી. વહેલી સવારે હાઈવે પર ઊભેલી ટ્રકની પાછળ આઇસર ગાડી અથડાતા અકસ્માત સર્જાયો હતો. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી.

વડોદરા શહેર અને હાઇવે ના માર્ગો ઉપર અકસ્માતોની વર્ણથંભી વણઝાર યથાવત જોવા મળી રહી છે. દરરોજ નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે. તેવામાં આજે વહેલી સવારે 4:30 વાગ્યાની આસપાસ વધુ એક અકસ્માતની ઘટના કપુરાઈ ચોકડી પાસે બની હતી. પ્રાપ્ત માહિતી અનુસાર કપુરાઈ ચોકડી પાસે વહેલી સવારે ઊભેલી ટ્રકની પાછળ એક આઇસર ગાડી અથડાતા અકસ્માત સર્જાયો હતો. આઇસરના ગાડી ચાલકને ઝોકું આવી જતા ગાડી પર કાબુ ગુમાવતા હાઈવે પર આગળ ઊભેલી ટ્રકમાં ધડાકાભેર આઇસર ગાડી અથડાઈ ગઈ હતી. જેના કારણે બંને ગાડીઓને નુકસાન થયું હતું. સદનસીબે અકસ્માતમાં મોટી દુર્ઘટના થતા ટળી હતી.