Charotar

ઠાસરાના ઢુણાદરાની પરીણિતાને ત્રાસ આપતા સાસરીયા સામે ફરિયાદ નોંધાઈ


પતિ, સાસુ, સસરા અને દિયર વિરૂધ્ધ શારીરિક માનસિક ત્રાસ આપવાનો ગુનો દાખલ
(પ્રતિનિધિ) નડિયાદ, તા.5
ઠાસરા ઢુણાદરા પરબડી વિસ્તારની 25 વર્ષિય યુવતીના ઘર સંસારમાં 4 વર્ષે ડખો થતાં મામલો પોલીસ મથક સુધી લંબાયો છે. સાસરી પક્ષના લોકોએ છૂટાછેડા આપવાનુ કહી પીડીતાને સાસરેથી કાઢી મૂકી હતી. આથી આ મામલે પીડીતાએ પોતાના ઘર સંસાર બચાવવા ડાકોર પોલીસમાં પોતાના પતિ, સાસુ, સસરા અને દિયર વિરૂધ્ધ શારીરિક માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે.
ઠાસરા તાલુકાના ઢુણાદરા પરબડી વિસ્તારમા રહેતી અને ગ્રેજ્યુએશન સુધીનો અભ્યાસ ધરાવતી 25 વર્ષિય સ્નેહલબેનના લગ્ન આજથી ચાર વર્ષ અગાઉ વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના અમરાપુરા ગામે રહેતા હિતેષ સાથે જ્ઞાતીના રીતી રીવાજ મુજબ થયા હતા. શરૂઆતમાં ઘર સંસાર સારો ચાલતા આ દંપતીએ એક પુત્રને જન્મ આપ્યો હતો જે હાલ 3 વર્ષનો છે. બાદમાં ગૃહસ્થ જીવનમાં પતિપત્ની વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતાં હતા. આ દરમિયાન પતિનુ ઉપરાણું લઈને સ્નેહલબેનના સાસુ મીનાબેન, સસરા મહેન્દ્રભાઈ અને દિયર ભાવેશભાઈ પણ ગમેતેમ બોલાચાલી કરી હેરના પરેશાન કરતા હતા. જેથી પરીણિતા રીસાઈને પોતાના પિયર આવી ગઈ હતી. જોકે ગૃહસ્થ જીવનમાં ભંગાણ ન સર્જાય તે હેતુસર પીડીતાના પિતા પોતાની દીકરીને સમજાવી સાસરે મુકી જતા હતા. ગયા વર્ષે પણ સાસરીયાઓએ બોલાચાલી કરી હતી અને છુટાછેડા આપી દે તેમ કહી શારિરીક માનસિક ત્રાસ પીડીતાને આપતા હતા. બાદમાં સાસરીના લોકોએ પીડીતાને સાસરેથી કાઢી મૂકી હતી. આ બાદ પીડીતાએ ઠાસરા કોર્ટમાં ભરણપોષણનો કેસ મૂક્યો હતો. જોકે બાદમા વાત છુટાછેડા સુધી પહોંચતા પીડીતાએ પોતાનો ઘર સંસાર બચાવવા મહિલા પોલીસમાં અરજી આપી હતી. પરંતુ સમાધાન ન થતા છેવટે ગતરોજ પરીણિતાએ ડાકોર પોલીસમાં પોતાના પતિ, સાસુ, સસરા અને દિયર એમ 4 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top