Dahod

ઝાલોદના કાળી ગામ ખાતે ત્રણ ભાઈઓના બાજુબાજુમાં આવેલા ત્રણ કાચા મકાનોમાં આગ, લાખોની ઘરવખરી બળી ગઈ

દાહોદ તા.૨૩

દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના કાળીગામ ખાતે એક પરિવારના ત્રણ ભાઈઓના બાજુબાજુમાં આવેલા ત્રણ કાચા મકાનોમાં અકસ્માતે આગ ફાટી નીકળતાં આગમાં ઘરવખરીનો સરસામાન, રોકડા રૂપીયા તેમજ ચાંદીના દાગીના મળી લાખ્ખોનો સરસામાન આગની લપેટમાં આવી જતાં ઘરની સાથે સાથે બળીને ખાખ થઈ જવા પામ્યો હતો. ત્યારે ફાયર ફાઈટરની ટીમ દ્વારા પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.

ઝાલોદના કાળી ગામ ખાતે ઈનામી ફળિયામાં રહેતાં વિનોદભાઈ કાળુભાઈ બારીયા, પ્રકાશભાઈ પારૂભાઈ બારીયા અને સમુભાઈ પારૂભાઈ બારીઆ આ ત્રણેય ભાઈનો બાજુમાં બાજુમાં આવેલા ત્રણેય મકાનો પૈકી એક મકાનમાં અકસ્માતે આગ ફાટી નીકળી હતી. જાેતજાેતામાં આ આગે બાજુમાં આવેલા અન્ય બે મકાનોને પણ પોતાની લપેટમાં લઈ લેતાં ત્રણેય મકાનો આગની અગન જ્વાળાઓની લપેટમાં આવી ગયાં હતાં. આગની ઘટનાને પગલે પરિવારજનો તેમજ સ્થાનીક લોકોએ આગ ઉપર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો. પરંતુ આગનું વિકરાળ સ્વરૂપ જાેઈ લોકોએ ફાયર ફાઈટરનો સંપર્ક કર્યાે હતો. ફાયર ફાઈટરના લાશ્કરો પાણીના બંબા સાથે ઘટના સ્થળે દોડી ગયાં હતાં જ્યાં પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવવામાં આવ્યો હતો. આ આગમાં ત્રણેય મકાનોમાં રહેલો ઘર વખરીનો સરસામાન, રોકડા રૂપીયા તેમજ ચાંદીના દાગીના મળી લાખ્ખોનો સરસામાન બળીને ખાખ થઈ ગયો હતો. આ આગમાં સદનસીબે કોઈને જાનહાની ન થતાં સૌ કોઈએ હાશકારો અનુભવ્યો હતો.

——————————————————-

Most Popular

To Top