પાલિકા દ્વારા ઓટલા અને વેપાર સ્થળો તોડાતા રોજગાર ગુમાવવાનો ભય, વૈકલ્પિક વ્યવસ્થાની માંગ સાથે ડેપ્યુટી કમિશનરને આવેદન
વડોદરા: શહેરના ગાજરાવાડી વિસ્તારમાં ઈદગાહ મેદાન પાસે દબાણ હટાવવાની પાલિકા શાખાની કાર્યવાહી સામે સ્થાનિક રહીશો અને વેપારીઓએ આજે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. દબાણ હટાવતી વખતે માલધારી સમાજના ઘાસ-ચારા વેચતા અને નાના વેપારીઓની રોજી-રોટી પર અસર થતાં તેઓએ પાલિકા વિરુદ્ધ મોરચો કાઢ્યો હતો.

મળતી માહિતી મુજબ, ગત રોજ વડોદરા મહાનગર પાલિકાની દબાણ શાખાએ ઈદગાહ મેદાન પાસેના ઓટલા અને વેપાર સ્થળો JCB વડે તોડી પાડ્યા હતા. આ દરમિયાન ઘાસ-ચારા વેચી ગુજરાન ચલાવતા વેપારીઓને પણ સ્થળ ખાલી કરવું પડ્યું હતું. વેપારીઓ અને રહીશોનું કહેવું છે કે, તેમણે અગાઉથી જ સ્વૈચ્છિક રીતે દબાણો દૂર કર્યા હતા, છતાં પણ પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવી.
આ ઘટનાને પગલે આજે વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવની આગેવાનીમાં રહીશો અને વેપારીઓએ ડેપ્યુટી કમિશનરને આવેદનપત્ર આપ્યું હતું. તેમણે માંગ કરી હતી કે, દબાણ હટાવવાની કાર્યવાહીથી પહેલા અસરગ્રસ્તોને વૈકલ્પિક વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવી જોઈએ, જેથી તેમનું ગુજરાન ચાલતું રહે.
સ્થાનિક રહીશો અને વેપારીઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, તેઓ કોઈ પણ રીતે દબાણના પક્ષમાં નથી, પરંતુ અચાનક કાર્યવાહીથી તેમના પરિવારના ભવિષ્ય પર સંકટ ઉભું થયું છે. તેઓએ પાલિકા પાસે માંગ કરી છે કે, દબાણ હટાવવાની કાર્યવાહી કરતાં પહેલા તેમને યોગ્ય વિકલ્પ આપવામાં આવે.
આ સમગ્ર મામલે પાલિકા અને વકફ બોર્ડ વચ્ચે જમીન અંગે દાવેદારી પણ ચાલી રહી છે. હાલ, સ્થાનિકો અને વેપારીઓમાં ભય અને અસંતોષનું મોજુ જોવા મળી રહ્યું છે.