Vadodara

કોરોનામાં મોખરે રહી SSGની વીરાંગનાઓ

વડોદરા: કોરોનાનો સમયગાળો માનવ ઇતિહાસના સહુ થી કપરા કાળ પૈકી એક છે. આ અજાણ્યા આરોગ્ય શત્રુના આગમનથી ભયનું એવું તો વાતાવરણ સર્જાયું હતું કે એનું નામ પડતાં જ ભલભલા મરદ મુંછાળાઓને પરસેવો છૂટી જતો. તેવા સમયે સયાજી હોસ્પિટલના કોરોના સારવાર વિભાગમાં આ લુચ્ચા દુશ્મન સામે મોરચો માંડવામાં વીરાંગના મહિલા આરોગ્ય સેવિકાઓ,પુરુષ આરોગ્ય સેવકો સાથે જરાય પાછીપાની કર્યા વગર ખભેખભો મિલાવીને મોખરે રહી હતી.

ઘડિયાળ સામે જોયા વગર અને પોતાની કે પરિવારની ચિંતા કર્યા વગર સતત કાર્યરત રહી હતી. એટલે જ સયાજી હોસ્પિટલના કોરોના સારવાર વિભાગના વહીવટી નોડલ અધિકારી ડો.બેલીમ ઓ.બી. કહે છે કે જ્યારે કોરોના પિક પર હતો, સતત કેસો આવતા, સારવાર લાંબી ચાલતી એ સમયગાળામાં, કોરોના વિભાગમાં રાત કે દિવસના કોઈપણ સમયે તબીબથી લઈને સફાઈ સેવિકાઓ અને સુરક્ષા ગાર્ડ સુધીની શ્રેણીઓમાં 200થી વધુ મહિલાઓ આરોગ્યની સેવા આપતી હતી.

 તેમણે જણાવ્યું કે સમગ્ર કોવિડ કાળ દરમિયાન 1500 થી વધુ મહિલાઓએ સારવાર અને સંભાળમાં યોગદાન આપ્યું છે. પુરુષ કર્મચારીઓ જેટલા જ ખંત અને નીડરતા દાખવીને યોગદાન આપ્યું છે. બલ્કે હજુ પણ આપી રહી છે. કૉવિડ વ્યવસ્થાપનમાં મહિલાઓના યોગદાનનું એક ઉજ્જવળ પ્રકરણ જાણે કે સયાજી હોસ્પિટલમાં આલેખાયું છે.

આ વીરાંગનાઓ પૈકી એક છે ડો. જયા પાઠક, તેમણે કોરોના જ્યારે ટોચ પર હતો, જ્યારે કેવી રીતે તેનો ઉપચાર કરવો એની વિમાસણ હતી ત્યારે તેમણે અનેક તણાવો અને નીત નવા પડકારોથી ભરેલા વાતાવરણમાં તબીબી નોડલ અધિકારી તરીકે એક થી વધુ વાર સેવા આપી હતી. લગભગ છેલ્લાં 10 મહિનાથી કોરોના વિભાગમાં મારું કામ ચાલુ જ છે એવી જાણકારી આપતાં ડોકટર જયાબહેન કહે છે બીમારી સાવ અજાણી હતી.

રોજેરોજ નવી ગાઈડ લાઇન અને નવા પ્રોટોકોલ સૂચવવામાં આવતા,ટેલી મેન્ટરિંગની સુવિધા હેઠળ વિવિધ દર્દીઓના લક્ષણોની ચર્ચા કરી માર્ગદર્શન પ્રમાણે સારવારમાં ફેરફારો કરવા પડતાં. મારી ટીમની દેખરેખ હેઠળ જ વડોદરામાં પ્રથમ દર્દીને ટોસિલીઝુમાંનો ડોઝ અપાયો હતો.    આ દરમિયાન  હું  પોતે પણ કોરોના પોઝિટિવ થઈ. જો કે દાગ અચ્છે હૈ ની જેમ આ સ્વ અનુભવ પણ સારવાર બહેતર બનાવવામાં ઉપયોગી નીવડ્યો.

   સયાજી હોસ્પિટલમાં ખાસ ફરજ પરના અધિકારી થી લઈને સલાહકાર અને તબીબી અધિક્ષક સહિત બધાએ પીઠબળ આપ્યું. રેસીડેન્ટ તબીબો,તબીબી વિદ્યાર્થીઓ અને નર્સિંગ સ્ટાફ સહુએ જે ફરજ નિષ્ઠા બતાવી એ આ જંગ જીતવામાં ખૂબ જ ઉપયોગી નીવડી.

કોરોના વિભાગમાં લગભગ 62 દિવસ સુધી દર્દીઓને એક્સરસાઇઝ કરાવવાની સેવા આપનારા ફિજિયોથેરાપી વિભાગના ડો.નીરજા ભટ્ટે જણાવ્યું કે જ્યારે અમને કહેવામાં આવ્યું કે તમારે કોરોના વિભાગમાં દર્દીઓને સારવારના ભાગરૂપે કસરતો કરાવવાની છે ત્યારે ક્ષણ વાર માટે તો ભયની લાગણીએ મનનો કબ્જો લઈ લીધો.

જો કે આ એક ક્ષણિક અનુભૂતિ હતી. તે પછી આવા કપરા સમયે સેવા આપવા માટે પસંદગી થવાના ગૌરવે મનનો કબજો લીધો અને મક્કમ મનોબળ સાથે ફરજ સ્વીકારી. રોગીઓને એકલા રહેવું પડતું એટલે માનસિક વિચલિતતા અનુભવતા. એમને કસરત કરાવવાની સાથે એમનું મનોબળ મક્કમ થાય એવા સંવાદ કરતાં હતા.

હેડ નર્સ રાજશ્રી શેઠ પણ હોસ્પિટલની સેવા દરમિયાન જાતે કોરોના પોઝિટિવ થયાં હતાં. કોરોના શરૂ થયો ત્યારે તેઓ તાત્કાલિક સારવાર વિભાગમાં સેવા આપી રહ્યાં હતા.

દોઢ વર્ષના બાળકની માતા અને સિક્યુરિટી ગાર્ડ  જ્યોતિ ગરુડ,સફાઈ સેવિકા તારા બહેન, આયા રેખા વસાવા,આ તમામે કોરોના કાળની શરૂઆતથી આ વિભાગમાં સેવાઓ આપી છે અને આપી રહ્યાં છે. તેમણે જણાવ્યું કે થોડો ડર તો લાગતો હતો,અમારે દર્દીની સહુ થી વધુ નજીક જઈને સાફ સફાઈ, ડાયપર બદલવા,શૌચાલય ની સફાઈ કરવી,દર્દીઓના સ્વજનો એમના માટે ખોરાક,કપડાં આપી જાય એ એમના સુધી પહોંચાડવાની કામગીરી કરવાની હતી. તેમ છતાં,કીટ પહેરી,માથે ટોપી પહેરી,જરૂરી તકેદારી રાખી હિંમત થી કામ કર્યું છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top