
વડોદરા: વડોદરાના કમાટીબાગ સહિત શહેરના વિવિધ બાગબગીચામાં ફરજ બજાવતા 150થી વધુ પાલિકાના સફાઈ કર્મીઓ આજે હડતાળ પર ઉતરી ગયા છે. માનવદિનથી ભરતી થયેલા આ કર્મીઓ એ નિર્ણય સામે પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે, જેમાં તેમને કોન્ટ્રાક્ટ આધારિત તંત્ર હેઠળ લાવવાની તૈયારી પાલિકા તરફથી દર્શાવવામાં આવી રહી છે. આ નિર્ણયથી નારાજ થયેલા કર્મચારીઓએ કમાટીબાગના પ્રવેશદ્વાર પાસે પોસ્ટર-બેનર સાથે વિરોધ નોંધાવ્યો અને અંદર આવતા જતા સહેલાણીઓને ગુલાબનું ફૂલ આપી અનોખી શાંતિપૂર્ણ રીતે પોતાનો મેસેજ પહોંચાડ્યો હતો
કર્મચારીઓનું કહેવું છે કે, “અમે વર્ષો સુધી પ્રતિબદ્ધતાપૂર્વક ફરજ બજાવી છે. હવે અમને માનવદિનમાંથી કાઢી કોન્ટ્રાક્ટ પદ્ધતિ હેઠળ લાવવામાં આવે છે, તે અન્યાયપૂર્ણ છે.” તેઓએ સ્પષ્ટ જણાવ્યું કે માંગ ન સંતોષાય ત્યાં સુધી તેઓ બાગબગીચાઓમાં સફાઈ નહીં કરે. આ હડતાળના કારણે કમાટીબાગ, પ્રાણી સંગ્રહાલય સહિત અનેક સ્થળોએ સફાઈનું કાર્ય ઠપ થઈ ગયું છે. શહેરના સુંદરતા અને હાયજિન માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા આ કર્મચારીઓની હડતાળને લઈને સ્થાનિક લોકો અને સહેલાણીઓમાં પણ ચિંતાની લાગણી જોવા મળી રહી છે.
