બાળ મજૂરી, વેસ્ટ પ્લાસ્ટિકથી પ્રદૂષણ અને સલામતીના ગંભીર પ્રશ્નો
કાલોલ :
કાલોલ તાલુકાના વરવાડા વિસ્તાર તથા આસપાસમાં પરવાનગી વગર ધમધમતા ઈંટોના ભઠ્ઠાઓ અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. દિવાળી પછી શરૂ થઈ હોળી પહેલાં ઈંટો પકવવા માટે ભઠ્ઠાઓમાં કોલસા અને લાકડાની સાથે કેટલાક ભઠ્ઠા માલિકો દ્વારા બેફામ રીતે વેસ્ટ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે, જેના કારણે ભારે પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે આ બાબતે તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે.
કાલોલ તાલુકાની કેટલીક ગ્રામ પંચાયતોમાં ખેતીયોગ્ય જમીન પર મંજૂરી વગર ઈંટોના ભઠ્ઠા ઉભા કરી દેવામાં આવ્યા હોવાના આક્ષેપો લાંબા સમયથી થતા રહ્યા છે. પ્રદૂષણના કારણે આસપાસના ખેડુતોને ખેતીમાં મુશ્કેલીઓ ભોગવવી પડી રહી છે. ખાસ કરીને વરવાડા રોડ પર આવેલા કેટલાક ભઠ્ઠાઓમાં ઈંટો પકવવા માટે વેસ્ટ પ્લાસ્ટિકનો ખુલ્લેઆમ ઉપયોગ થતો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે.
આ ઉપરાંત, અનેક ભઠ્ઠાઓ પર નાના બાળકોને મજૂરી કરતા જોવા મળતા હોવાને કારણે બાળ અધિકારોના ખુલ્લેઆમ હનનની ચર્ચા ઉઠી છે. કેટલાક ભઠ્ઠાઓ પરથી હાઈ ટેન્શન વીજ લાઈનો પસાર થતી હોવાની માહિતી પણ બહાર આવી છે, જે કોઈ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપે તેવી સ્થિતિ છે. પરપ્રાંતીય મજૂરોને કામે રાખવામાં આવે છે ત્યારે નજીકના પોલીસ મથકે તેમની નોંધણી કરાવવામાં આવી છે કે કેમ, તે પણ મોટો પ્રશ્ન બની રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે પંચમહાલ જિલ્લામાં ધમધમતા ઈંટોના ભઠ્ઠાઓને સંપૂર્ણ મંજૂરી આપવામાં આવી છે કે કેમ? જે જમીન પર ભઠ્ઠા ચાલે છે તે જમીન એન.એ. કરાવેલ છે કે નહીં? સ્થાનિક ગ્રામ પંચાયતની મંજૂરી લેવામાં આવી છે કે કેમ?—આ તમામ મુદ્દાઓની ઊંડાણપૂર્વક તપાસ જરૂરી બની છે. આક્ષેપ છે કે એક જ નામે એન.એ. કરાવી બે-ત્રણ ભઠ્ઠા ચલાવવામાં આવે છે, પ્રતિબંધિત કેમિકલનો ઉપયોગ થાય છે, લંગર નાખીને વીજ ચોરી કરવામાં આવે છે અને ગરીબ ખેડૂતોની જમીન સસ્તા ભાવે પડાવી શોષણ થાય છે. યુ.પી.ના તડીપાર લોકો ભઠ્ઠા માલિક બની ગયા હોવાની ચર્ચા પણ છે.
સમગ્ર મામલે વહીવટી તંત્ર, જીપીસીબી, પ્રાંત અધિકારી અને મામલતદાર દ્વારા જો સાચી અને કડક તપાસ કરવામાં આવે તો અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવે તેવી સ્થાનિકોમાં માગ ઉઠી છે.
રિપોર્ટર: વીરેન્દ્ર મહેતા, કાલોલ