વડોદરાના જેતલપુર રોડ પર મોટો ભૂવો પડતા વાહનચાલકોમાં ફફડાટ
પાલિકાની બેદરકારી સામે ફરી ઉઠ્યા સવાલ
શહેરમાં ચોમાસા સિવાય પણ વારંવાર ભૂવા પડવાની ઘટનાઓથી નાગરિકોમાં અસંતોષ
વડોદરા : શહેરના જેતલપુર રોડ પર વલ્લભ ચોક પાસે મુખ્ય માર્ગ પર અચાનક મોટો ભૂવો પડતા વાહનચાલકો અને રાહદારીઓમાં ચકચાર મચી ગઈ છે. આ ભૂવો પડવાથી રસ્તા પર વાહન વ્યવહાર અડચણમાં આવી ગયો હતો અને લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

શહેરમાં ચોમાસા દરમિયાન ભુવા પડવાના બનાવો સામાન્ય છે, પરંતુ વડોદરા મહાનગર પાલિકા અને કોન્ટ્રાક્ટરોની બેદરકારીને કારણે આ સમસ્યા બારેમાસ બની ગઈ છે. તકલાદી સામાનનો ઉપયોગ અને કામમાં યોગ્ય દેખરેખ ન હોવાને કારણે શહેરના અનેક વિસ્તારોમાં આ પ્રકારના ભૂવો પડવાના બનાવો સતત વધી રહ્યા છે.

આ કારણે નાગરિકો માટે માર્ગ પર ચાલવું જોખમી બની ગયું છે અને મોટો અકસ્માત થવાની શક્યતા પણ રહેલી છે. છતાં, પાલિકા અને કોન્ટ્રાક્ટરો તરફથી આ મુદ્દે કોઈ ગંભીર પગલાં લેવામાં આવતા નથી, જેનાથી લોકોમાં નારાજગી અને અસંતુષ્ટિ વધી રહી છે.
વડોદરાના નાગરિકો અને સામાજિક સંગઠનો આ સમસ્યાને લઈને ઝડપથી કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે, જેથી શહેરના રસ્તાઓ સુરક્ષિત અને મજબૂત બની શકે.