Comments

અતિશય ગરીબીને નાબૂદ કરનારું પ્રથમ રાજ્ય કેરાલા

સંસાધનો મર્યાદિત હોવાને કારણે એને ક્યાં અને કેવી રીતે વાપરવાં એ આર્થિક નીતિ ઘડતી વખતે હંમેશા એક પેચીદો પ્રશ્ન બની રહે છે. એ સંજોગોમાં નાણાંની ફાળવણી નિર્ણયકર્તાની સમજ અને હેતુ અગ્રતા પર રહે છે. આઝાદી પછી દેશનાં મોટા ભાગનાં રાજ્યોએ જ્યારે ઔદ્યોગિક વિકાસને પ્રાધાન્ય આપી એમાં રોકાણ કર્યું ત્યારે કેરાલા માનવ સંસાધાનમાં રોકાણ કરવાની નીતિને વળગી રહ્યું. પરિણામે માનવવિકાસના સૂચકાંકમાં કેરાલાની પ્રગતિ હંમેશાથી સૌથી સારી રહી છે. શિક્ષણ, આરોગ્ય અને આયુષ્ય જેવા સૂચકાંકમાં વર્ષોથી એ મોખરે જ રહ્યું છે અને  આજે અતિશય ગરીબીને નાબૂદ કરનાર પ્રથમ રાજ્ય બનવા જઈ રહ્યું છે. પહેલી નવેમ્બરે – કેરાલા દિનના દિવસે એની સત્તાવાર જાહેરાત સાથે ઉજવણી થશે. આ સિદ્ધિ હાંસલ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય અને ચીન પછી વિશ્વનું બીજું ક્ષેત્ર બનશે.

અતિશય ગરીબી એટલે શું? ગરીબીની વ્યાખ્યા માત્ર આવક સાથે જ સંકળાયેલી નથી. સંયુક્ત રાષ્ટ્રે કરેલી પરિભાષા પ્રમાણે ખોરાક, પીવાલાયક પાણી, આરોગ્યની સુવિધા, સ્વચ્છતાની સુવિધા, ઘર, શિક્ષણ અને માહિતી જેવી મૂળભૂત માનવ જરૂરિયાતોનો ગંભીર અભાવની પરિસ્થિતિ એટલે અતિશય ગરીબી. વૈશ્વિક માપદંડ પ્રમાણે માથાદીઠ ૧૮૦ રૂપિયાથી ઓછી દૈનિક આવક સાથે જીવતી વ્યક્તિ અતિશય ગરીબ ગણી શકાય.

ભારતમાં એનું પ્રમાણ સરેરાશ ૧૧.૨ ટકા છે. કેરાલામાં ગરીબીનું પ્રમાણ આમ પણ નીચું જ છે – કુદરતી સંસાધનોની ઉપલબ્ધતા અને ડાબેરી વિચારસરણીના પ્રભુત્વની અસરનું પરિણામ છે. નીતિ આયોગના આંકડા પ્રમાણે ૨૦૨૩માં કેરાલામાં માત્ર ૦.૫૫ ટકા લોકો અતિશય ગરીબ હતાં, જે દેશનાં બધાં રાજ્યો કરતાં સૌથી ઓછાં છે. આ પ્રમાણને શૂન્ય સુધી લઇ આવવા માટે કેરલા સરકારે ૨૦૨૧માં  અત્યંત ગરીબી નાબૂદી પ્રોજેક્ટ શરૂ કર્યો. ચાર વર્ષના અંતે લક્ષ્યાંક હાંસલ થયાનો દાવો કેરાલા સરકાર કરી રહી છે.

ચાર વર્ષની પ્રક્રિયા ખૂબ રસપ્રદ છે – જે સરકાર, સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ અને જમીન પર કામ કરતાં કાર્યકરો વચ્ચેના સંકલિત પ્રયાસ બતાવે છે. અતિશય ગરીબ લોકો સુધી પહોંચવા માટે સૌથી પહેલાં તો એમને ઓળખવાં જરૂરી છે. તેઓ દેખીતી રીતે સરકારી કલ્યાણકારી યોજનાઓની સુરક્ષા જાળની બહાર રહી ગયાં હતાં એટલે સરકારી રેકોર્ડમાંથી અદૃશ્ય હતાં. સૌથી પહેલાં અતિશય ગરીબ વ્યક્તિઓ અને પરિવારોને ઓળખવામાં આવ્યાં. એ માટે પંચાયતોની મદદ લેવામાં આવી. આશા કાર્યકરો, આંગણવાડી કાર્યકરો, કુદુમ્બશ્રી (મહિલા નેટવર્ક) કાર્યકર્તા જૂથોના સભ્યો અને રહેણાંક સંગઠનો જેવાં જમીની સ્તરે કામ કરતાં આશરે 14 લાખ લોકોના પ્રયત્નોથી ડેટા સંકલિત કરવાનું કામ થયું.

ગ્રામ અને વોર્ડ સભામાં સખત ફિલ્ડ વેલિડેશન, સુપર ચેક અને અંતિમ પુષ્ટિ પછી, 64,006 પરિવારોના કુલ 1,03,099 વ્યક્તિઓને અતિશય ગરીબીમાં જીવતાં લોકો તરીકે ઓળખવામાં આવ્યાં. પ્રારંભિક તબક્કામાં, રાજ્યે દરેક ઓળખ કરાયેલા પરિવારને ખોરાક અને આરોગ્ય સંભાળ પૂરી પાડવાની પ્રાથમિકતા આપી. તેમને આરોગ્ય વીમો અને સામાજિક સુરક્ષા પેન્શનની પહોંચ સાથે આધારકાર્ડ, રેશનકાર્ડ, મતદાર ઓળખપત્ર અને દિવ્યાંગ વ્યક્તિઓ માટે યુ.ડી.આઇ.ડી કાર્ડ જેવા મહત્ત્વપૂર્ણ દસ્તાવેજો આપવામાં આવ્યા. દરેક પરિવાર માટે  કસ્ટમાઇઝ્ડ માઇક્રો-પ્લાન (સૂક્ષ્મ યોજના) બનાવાઈ – એટલે કે જેને જે જરૂર હતી એ સગવડ પૂરી પાડવા તેમને પંચાયતની પેટા યોજના સાથે સંકલિત કરવામાં આવ્યાં.

આશરે ૩૯૦૦ ઘરવિહોણાં પરિવારોને સરકારી યોજના અંતર્ગત ઘર આપવામાં આવ્યાં, આરોગ્યની સમસ્યાવાળાં લોકોને સીધી તબીબી સુવિધા અપાઈ, જો બાળક શાળાએ ના જતું હોય તો એમનો શાળાપ્રવેશ કરાવાયો, બેરોજગાર લોકોને તાલીમ આપી આજીવિકાનાં સાધનો ઊભાં કરાયાં. તમામ સૂક્ષ્મ યોજનાઓ ડિજિટલ મેનેજમેન્ટ ઇન્ફર્મેશન સિસ્ટમ પર અપલોડ કરવામાં આવી હતી જેથી દરેક સેવા યોગ્ય રીતે યોગ્ય વ્યક્તિ સુધી પહોંચી શકે એની પર નજર રાખી શકાય. સંબંધિત વિભાગો અને સ્થાનિક સંસ્થાઓ દ્વારા દરેક પરિવારની જરૂરિયાતો કેવી રીતે પૂરી કરવામાં આવે છે તેનું નિરીક્ષણ કરતી હતી.

આ આખી વાત પ્રભાવશાળી લાગતી હોય તો પણ જ્યાં રાજકીય દાવા હોય ત્યાં દૂરથી દેખાતી બધી વાત હરિયાળી નથી હોતી. વાયનાડ જિલ્લાના આદિવાસીઓ સુધી જરૂરી અન્ન, રહેઠાણ કે પ્રાથમિક તબીબી સવલતો પહોંચતી નથી એવી ટીકા ત્યાંના આદિવાસી નેતાઓ અને આશા કાર્યકરોએ કરી છે. આ ઉપરાંત એ પણ સમજવું જરૂરી છે કે ગરીબીની રેખા કોઈ જાદુઈ રેખા નથી. એની ઉપર ઊઠેલાં લોકોનાં જીવન કોઈ નાટ્યાત્મક રીતે બદલાઈ નથી જતાં. ખરી કસોટી તો તેમને ગરીબીની રેખા ઉપર ટકાવી રાખવામાં છે.

એક માંદગી કે એક પૂરમાં તણાઈ જતાં ઘરને કારણે એક કુટુંબ ક્ષણભરમાં પાછું ગરીબી તરફ ધકેલાઈ શકે છે. આ પરિવારો ફરીથી અતિશય ગરીબીમાં ન જાય તે સુનિશ્ચિત કરવા માટે કલ્યાણ, આજીવિકાની યોજનાઓ અને સામાજિક સુરક્ષાની સતત દેખરેખની જરૂર પડશે. પણ, કેરાલા એના લક્ષ્યાંકની નજીક છે અને એના મોડેલે એટલું તો સાબિત કર્યું કે જો સરકારી તંત્ર યોજનાઓનું યોગ્ય સંકલન કરે અને યોજનાના અમલીકરણમાં લોકોને ભાગીદાર બનાવાય જેમ કુદુમ્બશ્રીની બહેનો જોડાઈ તો અઘરા લાગતા ઘણાં લક્ષ્યાંકો પાર પાડી શકાય છે. જરૂર હોય છે રાજકીય ઈચ્છાશક્તિની..
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top