
આગામી તારીખ 16 મી ફેબ્રુઆરીના રોજ યોજાનાર હાલોલ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને નગરપાલિકા વિસ્તારની 9 વોર્ડની 36 બેઠકો માટે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષના મળી કુલ 72 જેટલા ઉમેદવારોએ પોતાના ઉમેદવારી પત્રકો ભરી નગરપાલિકાની ચૂંટણી માટેની દાવેદારી નોંધાવી હતી. જેમાં ફોર્મ ચકાસણીના દિવસે 5 ફોર્મ રદ થતાં કુલ 67 જેટલા ઉમેદવારોના ફોર્મ માન્ય ગણાયા હતા. જેમાં ફોર્મ ચકાસણી બાદ ગઈકાલે સોમવારે અને આજે મંગળવારે બપોરે 3:00 વાગ્યાની સમય મર્યાદા સુધીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની સામે ઊભા રહેલા કોંગ્રેસ,આમ આદમી પાર્ટી, અને અપક્ષના મળી કુલ 21 જેટલા લોકોએ પોતાના ફોર્મ પરત ખેંચી લઈ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને પોતાનું સમર્થન આપતા ભારતીય જનતા પાર્ટીના કુલ 21 જેટલા ઉમેદવારો બિનહરીફ થયા હતા. જેને લઈને 2025ની નગરપાલિકાની સામાન્ય ચૂંટણી 16 મી ફેબ્રુઆરીના રોજ યોજાય તે પહેલા જ ભારતીય જનતા પાર્ટીએ હાલોલ નગરપાલિકામાં પુનઃ પોતાની સત્તા પ્રાપ્ત કરી નગરપાલિકા પર પોતાનો કબજો જમાવી ઐતિહાસિક જીત મેળવી લીધી હતી.

ભારતીય જનતા પાર્ટીના અગ્રણી નેતાઓએ ચાણક્ય નીતિ અપનાવી વિવિધ પ્રકારની વ્યુહ રચના ગોઠવી હાલોલ નગરપાલિકાના 1 થી 9 વોર્ડમાં રાજનીતિના ચોકઠા ગોઠવી હરીફ ઉમેદવારોને પોતાનાની તરફેણમાં કરી લેતા વોર્ડ નંબર 2 વોર્ડ નંબર 3 અને વોર્ડ નંબર 5 માં ભારતીય જનતા પાર્ટીની પેનલના કુલ 12 પૈકીના 10 મેન્ડેડ સાથેના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા હતા જ્યારે બે ઉમેદવારો કે જેઓ ભારતીય જનતા પાર્ટી દ્વારા જ અપક્ષ તરીકે ઊભા રાખવામાં આવેલા હતા તેઓએ પોતાનો ખુલ્લો ટેકો ભાજપને જાહેર કરતા 10 અને 2 મળી કુલ 12 ઉમેદવારો તો માત્ર 3 જ વોર્ડમાં બિનહરીફ જાહેર થયા હતા.જેમાં 1 થી 9 વોર્ડની 36 બેઠકોમાં ભારતીય જનતા પાર્ટીએ 34 ઉમેદવારોને મેન્ડેટ આપેલું હતું જે પૈકીના 19 અને ભાજપના અપક્ષ તરીકે ઉભા રહેલા વોર્ડ નંબર 3 ના ટેકેદાર તરીકે ના 2 ઉમેદવાર મળી કુલ 21 ઉમેદવારો બિનહરીફ જાહેર થતા ભાજપાએ સીધેસીધું જ ચૂંટણી પહેલા જ હાલોલ નગરપાલિકા પોતાના કબજે કરી લેતા ભારતીય જનતા પાર્ટીના છાવણીમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી.
મંગળવારે બપોર બાદ હાલોલ વિધાનસભાના ધારાસભ્ય અને પૂર્વ રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમાર, હાલોલ ચૂંટણી પ્રભારી મયંકભાઈ દેસાઈ (લાલાભાઇ)તેમજ રાજન શાહ સહિત હાલોલ શહેર ભાજપા પ્રમુખ હરીશ ભરવાડ અને અન્ય ભાજપા હોદ્દેદારો અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા કાર્યકરોની હાજરીમાં ભાજપા કાર્યાલય ખાતે ભારતીય જનતા પાર્ટીએ પોતાની આ ઐતિહાસિક જીતનું જશ્ન મનાવી ફટાકડા ફોડી એકબીજાનું મોડું મીઠું કરી ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળે બિનહરીફ થયેલા ઉમેદવારોની જીતને વધાવી જીતનો તમામ શ્રેય મતદારોને આપ્યો હતો. જોકે હવે આગામી તારીખ 16 મી ફેબ્રુઆરીના રોજ યોજનાર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માત્ર ઔપચારિક હોવાનું સ્પષ્ટ જોવાઈ રહ્યું છે. કેમ કે જે રીત 21 જેટલી બેઠકો ભારતીય જનતા પાર્ટી બિનહરીફ બની ચુકી છે તે જોતાં બાકીની 15 જેટલી બેઠકો માટે યોજાનાર ચૂંટણીમાં પણ ભાજપને લાભ થશે એવું ચર્ચાઈ રહ્યું છે.
