હાલોલ : વટસાવિત્રી વ્રત જેઠ માસના શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે રાખવામાં આવે છે. મહારાષ્ટ્ર, ગુજરાત અને દક્ષિણ ભારતના રાજ્યોમાં રાખવામાં આવે છે. હિંદુ પંચાંગ પ્રમાણે વટ સાવિત્રી વ્રત વર્ષમાં બે વાર ઉજવવામાં આવે છે. પ્રથમ જેઠ અમાવસ્યા પર અને બીજું જેઠ પૂર્ણિમાના દિવસે. આ બંનેમાં વડવૃક્ષની પૂજા કરવામાં આવે છે. સનાતન ધર્મ સંસ્કૃતિમાં જેઠ મહિનાનું ધાર્મિક દ્રષ્ટિ વિશેષ મહત્વ રહેલું છે.તેમાં પણ જેઠ માસની પૂનમે વટસાવિત્રી તરીકે ઉજવવાનો અનોખો મહિમા રહેલો છે.આ દિવસે સૌભાગ્યવતી મહિલાઓ પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે વટસાવિત્રીનું ઉપવાસ કરે છે અને વડની પૂજા કરે છે.જેને લઇ હાલોલ નગરમાં પણ સૌભાગ્યવતી બહેનોએ સોળે શણગાર સજીને શિવ મંદિરોમાં તેમજ વડલાના ઝાડે જઈ વિધિ સાથે વ્રતની પૂજા કરી હતી.જેમાં વ્રતધારી બહેનો અબીલ- ગલાલ,કંકુ-ચોખા અને ફૂલો અને જળ ચઢાવી વડનું પૂજન કરી બાદમાં વડના ઝાડ ફરતે સુતરનો દોરો વીંટાળી પ્રદક્ષિણા કરી પતિના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરી હતી. વ્રતની પૂજા બાદ દિવસ દરમિયાન કેટલીક બહેનો નકોરડા ઉપવાસ કરશે તો કેટલાક બહેનો દ્વારા ફરાળ કરી વ્રત સાવિત્રી વ્રતની ઉજવણી કરી રહ્યા છે.
