Vadodara

હાઈવે પર કાળનો કબજો: દુમાડ ચોકડી પર રોડ ક્રોસ કરી રહેલા દંપતીને ટ્રકે અડફેટે લીધા, પતિનું ઘટનાસ્થળે મૃત્યુ

દંપતી રોડ ક્રોસ કરી રહ્યું હતું ત્યારે જ અકસ્માત સર્જાયો, ઘાયલ મહિલાને સયાજી હોસ્પિટલ ખસેડાઈ; સમા પોલીસે ટ્રક જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી

વડોદરા :નેશનલ હાઈવે નંબર 48 પર આવેલી દુમાડ ચોકડી નજીક બુધવારે સવારે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક દંપતી રોડ ક્રોસ કરી રહ્યું હતું ત્યારે પુરપાટ ઝડપે આવી રહેલી ટ્રકે તેમને અડફેટે લીધા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં પતિનું ઘટનાસ્થળે જ કરુણ મૃત્યુ નિપજ્યું છે, જ્યારે પત્ની ગંભીર રીતે ઘાયલ થતાં તેને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે.



પ્રાપ્ત માહિતી અનુસાર, દુમાડ ચોકડી પાસે દંપતી નેશનલ હાઈવે ક્રોસ કરી રહ્યું હતું. તે સમયે પૂરપાટ ઝડપે દોડી આવતી એક ટ્રકના ચાલકે બેફિકરાઈથી વાહન ચલાવી દંપતીને ટક્કર મારી હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે ટ્રકની અડફેટે આવેલા પુરુષનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે તેમના પત્નીને ગંભીર ઇજાઓ પહોંચી હતી.

અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે વડોદરાની સયાજી હોસ્પિટલ ખસેડવાની વ્યવસ્થા કરી હતી.
ઘટનાની ગંભીરતા જોતા સમા પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતક પુરુષના મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે કાર્યવાહી હાથ ધરી હતી અને અકસ્માત સર્જી ફરાર થવાનો પ્રયાસ કરનાર ટ્રકને જપ્ત કરી લીધી હતી.

પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ અકસ્માત કેવી રીતે સર્જાયો તેની વધુ તપાસ શરૂ કરી છે. નેશનલ હાઈવે પર બેફામ ગતિ અને ટ્રાફિકના નિયમોના ભંગને કારણે અવારનવાર થતા આવા અકસ્માતોને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

Most Popular

To Top