Business

સૌથી મહત્ત્વનું શું?

ન્યૂઝીલેન્ડના એક કબીલાનો સરદાર તોહુ સમુદ્ર પાર જવા માટે દુનિયાની સૌથી સુંદર નાવ બનાવવા માગતો હતો. તેણે જંગલનું સૌથી ઊંચું ઝાડ કાપ્યું અને ત્રણ વર્ષ સુધી કારીગરો પાસે તેમાં નકશીકામ કરાવ્યું. નાવનું મુખ ઉઘાડા મોંવાળા દેવના મોઢામાંથી આગ નીકળતી હોય તેવું બનાવ્યું, ચમકતા છીપમાંથી આંખો બનાવી.  ઘણા પ્રયત્નો પછી બહુ સુંદર નાવ તૈયાર થઈ ત્યારે તોહુને ગર્વ થયો. તેણે પોતાના કબીલાના સાથીઓને કહ્યું, ‘આ નાવ લઈને આપણે બધા દરિયો ખેડવા નીકળીશું અને આ નાવ જ આપણને નવી ભૂમિ સુધી પહોંચાડશે.’

એ રાત્રે એક વૃદ્ધ કારીગર ઇહા તેની પાસે આવ્યા. ‘સરદાર, નાવ સુંદર છે. પણ એક પ્રશ્ન પૂછું? એને હલેસાં કોણ મારશે?’ સરદાર તોહુ હસ્યો અને બોલ્યો, ‘મારી પાસે ઘણા તાકતવર જુવાનો છે… આ મારા જુવાનો હલેસાં મારી નાવને પવનવેગે ચલાવશે જોજો.’ વૃદ્ધ કારીગર ઇહાએ કહ્યું, ‘પણ વિચારી જુઓ, જો આ જવાનો તેઓ થાકી જાય કે ભૂખ્યા હોય કે બીમાર પડે કે કોઈક કારણસર તમારાથી નારાજ થાય? તો શું કરશો?’

આ પ્રશ્ન સાંભળી સરદાર ચૂપ થઈ ગયો. ત્રણ વર્ષમાં તેણે નાવ બનાવવા માટે બધું ધ્યાન અપાયું હતું. લાકડાની દરેક રેખાને ધ્યાનથી જોઈ હતી, પણ હલેસાં મારનારાઓના ચહેરાઓ ભાગ્યે જ જોયા હતા. બીજા દિવસે તોહુએ કબીલાના દરેક જણને બોલાવ્યા. બધા સાથે બેસીને વાત કરી. કયાં જુવાનો આવશે, તેમાંથી કોણ શક્તિશાળી છે, કોની પાસે શું કૌશલ છે, કોનું ઘર પાછળ રહેશે તેની ચિંતા શું છે. કોણ ડરેલું  છે… કોણ કોઈ શારીરિક તકલીફ ધરાવે છે…બધું જાણ્યું અને નોંધી લીધું. પછી તેણે બાળકોને વાર્તા કહી, વૃદ્ધોને હાથ ઝાલીને નાવ દેખાડવા લઈ ગયો અને દરેક હલેસાંને તેના હાંકનારનું નામ આપ્યું તેથી બધાનો ઉત્સાહ વધ્યો. જ્યારે સમુદ્રમાં તોફાન આવ્યું, ત્યારે નાવની સુંદરતા કામ ન લાગી. કામ લાગી એ એકસો જુવાનોના હાથોની લય, જે એકસાથે ઊઠતા અને નીચે જતા રહ્યા અને થાક્યા વિના હલેસાં હાંકતા રહ્યા તેથી તોફાનમાં નાવ ડગમગી પણ ડૂબી નહીં.

નવી ભૂમિ પર ઊતરતાં તોહુએ ઇહાને કહ્યું, ‘તમે મને મારી આંક ખોલી નાખનાર પ્રશ્ન પૂછ્યો હતો અને તમે પૂછેલા પ્રશ્ન પર મેં ઘણો વિચાર કર્યો હતો અને બધાને માન,પ્રેમ અને સન્માન આપ્યાં તેથી બધાનો સાથ મને મળ્યો.’ વૃદ્ધ ઇહા હસ્યા અને બોલ્યા ‘સુંદર નાવ તો ગમે ત્યારે બની શકે, સરદાર. પણ તેને સફળતાથી ચલાવવા તો આપણા માણસો જ જોઈએ અને તે જ સૌથી મહત્ત્વના છે. ન્યુઝીલેન્ડના આદિવાસીઓમાં પ્રચલિત કહેવત જેનો અર્થ છે “દુનિયામાં સૌથી મહત્ત્વનું શું છે? માણસ, માણસ, માણસ.” તે અત્યારે પણ એટલી જ સાચી અને મહત્ત્વનો સંદેશ આપે છે કે સંપત્તિ, પદ કે સિદ્ધિ બધું બીજા ક્રમે છે. સાચી મૂડી તો તમારી સાથે ચાલનારા તમારા માણસો છે.

Most Popular

To Top