Savli

સાવલીના સમલાયા ગામે પાણીની ટાંકી ધરાશાયી થતા પંચાયતના કામદારનું મોત

સાવલી: સાવલી તાલુકાના સમલાયા ગામે પાણીની ટાંકી ધરાશાયી થતા પંચાયતના હંગામી કામદારનું દબાઈ જવાથી કરુણ મૃત્યુ નિપજ્યું છે. બનાવના પગલે તંત્રની નિષ્કાળજી મુદ્દે સમગ્ર પંથકવાસીઓ ફિટકાર વરસાવી રહ્યા છે.

સાવલી તાલુકાના સમલાયા સ્ટેશન વિસ્તારમાં પાણીની ટાંકી આજરોજ પત્તાના મહેલની માફક ધરાશાયી થઈ જતા ચકચાર મચી જવા પામી છે. ગામમાં પાણી ચાલુ કરવા ગયેલા પંચાયતના હંગામી કામદાર વ્હોરા મહમ્મદ સફિભાઈ સત્તરભાઈ , ઉમર આશરે ૪૫ રહે. સમલાયા તા સાવલીની ઉપર ટાંકી પડી હતી. તેમનું કાટમાળ નીચે દબાઈ જતાં ઘટના સ્થળે કરુણ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે ટાંકી તૂટી પડવાના પગલે હજારો લિટર પાણી વહી ગયું હતું. બનાવના પગલે સાવલી મામલતદાર , ટીડીઓ તેમજ સ્થાનિક અગ્રણીઓ તેમજ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. ગ્રામજનોના જણાવ્યા મુજબ
પાણીની ટાંકી જર્જરિત હાલતમાં હોઈ પાણી પુરવઠા વિભાગને રજૂઆત ગ્રામજનો અને સરપંચ દ્વારા કરવામાં આવી હતી. પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલા ન લેવાતા આ દુર્ઘટના બની છે. જ્યારે ચાર પુત્રીઓનાં પિતાના મોત થી સમલાયાના ગ્રામજનો, પંથકવાસીઓ તેમજ મૃતકના પરિવારજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. કાટમાળ ખસેડી કામદારના મૃતદેહ ને બહાર કાઢીને આગળ ની કાર્યવાહી કરવા પોલીસે તજવીજ હાથ ધરી છે

ટાંકી ભારે જર્જરિત હાલતમાં હોવા છતાંય તંત્ર દ્વારા તેની મરામત નહીં કરી પાણી ભરવાનું ચાલુ રખાયું

સાવલી તાલુકાના સમલાયા સ્ટેશન વિસ્તાર ખાતે પાણીની ટાંકી ભારે જર્જરીત હાલતમાં હોવા છતાંય તંત્ર દ્વારા તેની મરામત કે અન્ય સાવધાનીના પગલાં નહીં લઈ અને પાણી ભરતા ના રોકતા દુર્ઘટના બની છે. પ્રતાપ નગર ગામના સરપંચ ધર્મેશભાઈ પટેલના જણાવ્યા પ્રમાણે પાણી પુરવઠા વિભાગ ના અધિકારીઓને આ બાબતે વારંવાર રજૂઆત કરવા છતાંય કોઈ નક્કર પગલાં ન ભરતા આ દુર્ઘટના થવા પામી છે. સમલાયા ગામે પાણી ની ટાંકી કડડભૂસ થઈ જતા બિલકુલ જમીન દોસ્ત થઈ ગઈ છે. ટાંકી એટલી જર્જરીત હાલતમાં હતી કે તૂટી પડવાના કારણે જમીનદોસ્ત થઈ ગઈ હતી. બનાવના પગલે તમામ સબંધિત વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા, પરંતુ પાણી પુરવઠા વિભાગ તરફથી કોઈ અધિકારી સ્થળ પર ન દેખાતા ભારે ચર્ચા જાગી છે. કોની લાપરવાહી અને ભૂલના કારણે એક નિર્દોષને જીવ ગુમાવવાનો વારો આવ્યો તે તપાસનો વિષય છે. જ્યારે જે પણ કસૂરવાર અધિકારી કે કર્મચારી હોય તેની સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે.

Most Popular

To Top