સાચી ખુશી શું છે?

એક ફિલોસોફીના પ્રોફેસરના ઘરે રોજ સાંજે બેઠક જામે અને બધા જુદા જુદા પ્રશ્નો પ્રોફેસરને પૂછે અને પ્રોફેસર તેનો જવાબ સરસ રીતે સમજાવે.એક દિવસ સાંજે બેઠક જામી હતી. પ્રોફેસરના એક મિત્ર પત્નીએ પ્રોફેસરને પૂછ્યું, ‘પ્રોફેસર સૌથી વધારે અને સાચી ખુશી કેવી રીતે અને શેમાંથી મળે?’ બીજા મિત્રે તરત ઉમેર્યું, ‘અને સાચી ખુશી મેળવવા શું કરવું પડે?’

સાચી ખુશી શું છે?

પ્રોફેસર વિચારવા લાગ્યા અને પછી બોલ્યા, ‘આમ આ સાવ સામાન્ય અને બધાના મનમાં ઊઠતો સવાલ છે પણ તેનો સાચો જવાબ સમજાવવો અઘરો છે.બધાને હંમેશા ખૂબ જ ખુશ રહેવું છે અને સતત ખુશી શોધવાની દોડ જ માણસના મનના દુઃખનું કારણ બને છે.’

પ્રોફેસરનું આવું થોડું અટપટું વાક્ય બધાને સમજાયું નહિ.એક મિત્ર બોલ્યા, ‘પ્રોફેસર કેવી વાત કરો છો, પ્રયત્ન કરવા સિવાય કંઈ ન મળે એમ તમે જ જણાવો છો અને ખુશી શોધવાના પ્રયત્નો કોઈ પણ કરે તો તેને ખુશી જ મળે ને તેમ કરવાથી દુઃખ કઈ રીતે મળે? બરાબર સમજાવો.’

પ્રોફેસર બોલ્યા, ‘જો હું મારી વાતને સમજાવવા પહેલાં થોડાં ઉદાહરણો આપું છું.બરાબર સમજજો …જો કોઈને મોંઘા વેકેશન પર જવા મળે તો તે ખુશી છે પણ તેને ફરવાનો શોખ ન હોય તો …અથવા તે એક જગ્યાએ જઈ આવે અને નજીકનું બીજું સ્થળ જોવાનું રહી જાય તો….બીજું ઉદાહરણ જો કોઈ પાસે બહુ પૈસા હોય અતિ શ્રીમંત હોય પણ મન કંજૂસ હોય તો ….અથવા શરીર બીમાર હોય તો..ત્રીજું ઉદાહરણ જો કોઈને અચાનક બહુ સફળતા મળી જાય …મનગમતી નોકરી મળી જાય પણ પરિવારને સમય ન આપી શકે અથવા કામ માટે કુટુંબથી દૂર રહેવું પડે તો ….ચોથી વાત તમારી પાસે એક નહિ, ચાર ચાર હાર હોય, પણ શું એક સાથે પહેરી શકાય અથવા મોટે ભાગે ઘરેણાં પહેરી બહાર જવાય નહિ એટલે ઘરેણાં તો લોકર કે તિજોરી જ પહેરે.આવાં તો ઘણાં ઉદાહરણો હું આપી શકું.’

બધા પ્રોફ્સરને ધ્યાનથી સાંભળી રહ્યા હતા. પ્રોફેસર આગળ બોલ્યા, ‘આપણને બધાને જુદી જુદી વસ્તુ જુદા જુદા પ્રમાણમાં ખુશી આપે છે.પણ સમજજો કે આ ખુશી સુધી દોડીને પહોંચી શકાતું નથી.કોઈ એક વસ્તુને પકડી ખુશી મેળવવાની કોશિશ કરીએ ત્યાં આગળ એટલી વસ્તુઓ દેખાય છે કે ફરી દોડવાનું શરૂ કરવું પડે છે.વસ્તુઓને ખરીદી શકાય છે; ખુશીને ખરીદી શકાતી નથી.ખુશી મેળવી શકાતી નથી અને પહેરી પણ શકાતી નથી.આ બધી વસ્તુઓ,સફળતાઓનો આનંદ ઘડી- બે ઘડીનો હોય છે તે સાચી ખુશી નથી.

સાચી ખુશી છે જીવનની દરેક પળને આનંદથી જીવવી ….અને તે પળમાં દરેક માટે પ્રેમ,આદર અને આભારની લાગણી ભરી તેને શણગારવી.તો જીવનમાં સાચી ખુશીનો અનુભવ થશે અને ખુશી મેળવવા તમારે ક્યારેય દોડવું નહિ પડે.’ પ્રોફેસરે સરસ સમજ આપી.    

– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Related Posts