કામ પૂર્ણ કરવાની સમયમર્યાદાને મહિનો વીત્યો, છતાં પાલિકા નિષ્ક્રિય
પાલિકા અને ઇજારદારની મિલીભગતથી રહીશો પીસાવવા મજબૂર

વડોદરા મહાનગર પાલિકાના રોડ પ્રોજેક્ટ શાખા દ્વારા અટલાદરા વિસ્તારમાં શ્યામલ પાર્કથી નીલામ્બર ઓરિયન્સ થઈ શ્રીધર વિલા બંગલા સુધીના 18 મીટરના નવા રસ્તાના નિર્માણ માટે ઈજારદાર શિવાલય ઇન્ફ્રા પ્રોજેક્ટ પ્રો. પ્રા. લિ. ને 18 નવેમ્બર 2024ના રોજ વર્ક ઓર્ડર આપ્યો હતો. આ કામગીરી 150 દિવસમાં પૂર્ણ થવાની હતી અને છેલ્લી સમયમર્યાદા 17 એપ્રિલ 2025 હતી. પરંતુ આજે સમયમર્યાદા પૂર્ણ થયે એક માસ જેટલો સમય થવા આવ્યો છતાં આ રોડની કામગીરી શરૂ કરાઈ નથી. ઇજારદાર શિવાલય ઇન્ફ્રાને આ પ્રોજેક્ટની કામગીરી સોંપાઈ હતી પરંતુ હજુ સુધી પ્રોજેક્ટમાં માત્ર કામના નામે વરસાદી ગટરનું જ કામ કરાયું છે જે પણ હજુ અધૂરું છે. તેવામાં નાના ઇજારદારોને કામ સમય મર્યાદામાં પૂર્ણ ન થાય તો પાલિકા દ્વારા નોટિસો આપવામાં આવતી હોય છે અને કેટલાક પર તો કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે. પરંતુ શિવાલય ઇન્ફ્રા પાલિકાના ઘણા મોટા મોટા પ્રોજેક્ટ કરતા હોવાથી ક્યાંક પાલિક દ્વારા તેમના માટે ખાસ વ્યવસ્થા તો નથી કરાઈને તેને લઈને હવે ચર્ચાઓ શરૂ થઈ છે. ઉલ્લેખનીય છે કે, ચોમાસાની ઋતુ શરૂ થવાને માત્ર એક મહિનો બાકી છે અને વરસાદ પૂર્વે રસ્તાનું કામ પૂર્ણ ન થતાં સ્થાનિક લોકોને આવનાર સમયમાં ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે.
સ્થાનિક રહીશો દ્વારા પાલિકાને સોશિયલ મીડિયાના માધ્યમથી રજૂઆત પણ કરવામાં આવી છે છતાં હજુ સુધી સ્થળ પર કોઈ અસર જોવા મળી નથી. રોડ શાખા મુજબ, સ્થળ પર દબાણ હતું તો દબાણ શા માટે દૂર કરાયું નથી તેના પર પણ સવાલો થઈ રહ્યા છે. કેમ કે ઇજારદારને વર્ક ઓર્ડર આપે 6 માસ જેટલો સમય વીત્યો પરંતુ કોઈ નક્કર કાર્યવાહી પાલિકા દ્વારા કરવામાં આવી નથી. પાલિકાના નિયમો કોને ક્યાં કેવી રીતે લાગુ પડે છે તેને લઈને હવે ગણગણાટ શરૂ થયો છે. જો સ્થળ પર દબાણ છે તો દબાણ દૂર કરી રોડની કામગીરી કેમ ન કરાઈ, અને જો દબાણ નથી તો ઇજારદાર કામ કેમ નથી કરી રહ્યો. શું ઇજારદાર પાલિકાના ખાસ છે કે પછી જ્યાં દબાણો છે તે પાલિકાના ખાસ છે તેને લઈને હવે વિવાદ સર્જાયો છે. સમગ્ર મામલે હજુ સુધી પાલિકા દ્વારા કોઈ કામગીરી કરાઈ નથી ત્યારે આગામી સમયમાં કામગીરી કરાય છે કે કેમ તે જોવાનું રહેશે. 150 દિવસની સમયમર્યાદા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં પાલિકાના જાણે શિવાલય ઇન્ફ્રા પર ચાર હાથ હોય એમ હજી સુધી કોઈ કાર્યવાહી ન કરતા વિવાદ સર્જાયો છે. તાજેતરમાં યોજાયેલી સ્થાયીની બેઠકમાં એક ઇજારદારને રોડ અને ગટરના કામો મંજૂરી માટે આવ્યા હતા પરંતુ ઇજારદારની કામગીરી ધીમી હોવાનું કારણ આગળ ધરી તે કામ નામંજૂર કરાઈ દેવાયું હતું. ત્યારે પાલિકા શિવાલય ઇન્ફ્રા વિરુદ્ધ કેમ કાર્યવાહી નથી કરી રહી તેને લઈને હવે વિવાદ સર્જાયો છે.
મારી સૂચનાઓ છતાં કામ નહીં થયું, ફરી મુલાકાત લઈ તપાસ કરીશું – ચિરાગ બારોટ
સ્થાનિકો દ્વારા કામગીરી બાબતે અગાઉ મારા સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી જે બાદ મેં સ્થળ મુલાકાત કરી અધિકારીઓને સૂચના પણ આપી હતી પરંતુ અધિકારીઓએ કેમ કામગીરી કરાવી નથી તે જાણી અને હાલ સ્થળ સ્થિતિ શું છે તે ફરીથી મુલાકાત કરી જાણી, તપાસ કરવી ઝડપથી કામગીરી પૂર્ણ થાય તે દિશામાં કાર્યવાહી કરીશું – ચિરાગ બારોટ, ડેપ્યુટી મેયર
