શિવાનંદ ઝા સેવા નિવૃત્ત થતાં આશિષ ભાટિયા નવા ડીજીપી બન્યા

ગાંધીનગર: શુક્રવારે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા સેવા નિવૃત્ત થતાં તેમના સ્થાને ગુજરાતના નવા પોલીસ વડા તરીકે આશિષ ભાટિયાની રાજ્ય સરકારે શુક્રવારે સાંજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવા ડીજીપીની વરણી કરવા અંગે આદેશ કર્યા હતા. તે પછી ત્વરિત રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મીડિયા સાથેની વાતચીતમાં ગાંધીનગરમાં આ જાહેરાત કરતાં કહ્યું હતું કે, રાજ્યના નવા પોલીસ વડા તરીકે 1985ની બેચના આઈપીએસ આશિષ ભાટિયાની નિમણૂક કરવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સમક્ષ ત્રણ સિનિયર અધિકારીઓની પેનલ મોકલવામાં આવી હતી. જે પૈકી રાજ્ય સરકારે આજે 1985ની બેચના સિનિયર અધિકારી આશિષ ભાટિયાની વરણી કરી છે. ભાટિયાએ રાજ્યમાં અમદાવાદમાં થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસની તપાસ સંભાળી હતી. એટલું જ નહીં જેહાદી તત્ત્વોની ધરપકડ કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. અગાઉ તેમણે સુરત પોલીસ કમિશનર તેમજ સીઆઈડી ક્રાઈમના વડા તરીકે પણ ફરજ બજાવી છે.

નવી ડીજીપી તરીકેની વરણી પહેલાં તેમણે અમદાવાદના પોલીસ કમિશનર તરીકે પણ ફરજ બજાવી છે. હવે ભાટિયાની ડીજીપી તરીકે નિમણૂક થતાં અમદાવાદના નવા પોલીસ કમિશનર તરીકે સંજય શ્રીવાસ્તવની વરણી કરવામાં આવે તેવાં ચક્રો ગતિમાન થયાં છે.

Related Posts