Vadodara

શંકાસ્પદ સેન્ડફ્લાય રોગથી ફરી એકવાર બાળકોના જીવ પર સંકટ

હાલમાં પંચમહાલ અને દાહોદના આઠ મહિનાથી માંડીને 8 વર્ષ સુધીના ત્રણ બાળકો શંકાસ્પદ વાયરસનાં સારવાર હેઠળ એસ.એસ.જી.હોસ્પિટલમા દાખલ થયા, વડોદરામાં ચિંતા વ્યાપી

બે બાળકો આઇ.સી.યુ.મા દાખલ જ્યારે એકને આઇ.સી.યુ.માથી વોર્ડમાં શિફ્ટ કરાયો ત્રણેયના રિપોર્ટ ગાંધીનગર મોકલાયા

એક બાળકનું અવસાન થતાં ચિંતાનો વિષય બન્યો

(પ્રતિનિધિ) વડોદરા તા. 05

પંચમહાલ અને દાહોદ જિલ્લાના માટીનાં ઘરમાંથી ઉદભવતા શંકાસ્પદ સેન્ડફ્લાયથી થતી ગંભીર બીમારીમાં ત્રણ બાળકો સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બે બાળકો હાલમાં આઇ.સી.યુ.મા સારવાર હેઠળ છે જ્યારે એક બાળકને આઇ.સી.યુ.બાદ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યું છે
આરોગ્ય વિભાગના દાવા મુજબ દર્દીને તાત્કાલિક સારવાર અપાઈ રહી છે પરંતુ આમાં એક બાળકનું દુઃખદ અવસાન થતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.

હાલમાં રાજ્યમાં ચોમાસાની ત્રૃતુમા વરસાદ પડી રહ્યો છે ત્યારે પંચમહાલ અને દાહોદ જિલ્લામાં માટીનાં કાચા મકાનોમાં પેદા થતી શંકાસ્પદ સેન્ડફ્લાયનાં કારણે બાળકોને તાવ, ઉલ્ટી- ઝાડાની અને ખેંચની બિમારી થઈ રહી છે.આ પ્રકારની બીમારી નાના બાળકો થી 10 વર્ષ સુધીના બાળકોને ઝડપથી નબળા કરી મોત તરફ લઇ જાય છે. હાલમાં મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરાની એસ.એસ.જી.હોસ્પિટલમા પંચમહાલ અને દાહોદ જિલ્લા માંથી ચાર બાળકોમાં શંકાસ્પદ સેન્ડફ્લાય રોગના આઠ મહિના થી આઠ વર્ષ સુધીના બાળકોને તાવ, ઝાડા ઉલટી અને ખેંચ ના લક્ષણો સાથે દાખલ કરવામાં આવ્યા છે જેમાં બે બાળ દર્દીઓ આઇ.સી.યુ. વિભાગમાં હાલ દાખલ છે અને એક બાળકને આઇ.સી.યુ.માથી વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યું છે તેઓના રિપોર્ટ ગાંધીનગર મોકલવામાં આવ્યા છે જેના રિપોર્ટ હજી આવવાના બાકી છે જ્યારે દાહોદ જિલ્લાના એક વર્ષના બાળકનું મોત થયું છે અને તાત્કાલિક અન્યના સેમ્પલ ગાંધીનગર ખાતે મોકલાયા છે, જેથી સાચી બીમારી અને આગળની સારવાર સુનિશ્ચિત કરી શકાય.
આરોગ્ય ક્ષેત્રે આધુનિક સાધનો ટેક્નોલોજીના સાધનો તથા દવાઓ તથા આરોગ્ય કર્મીઓ પૂરતા પ્રમાણમાં હોવા છતાં કેટલાક શંકાસ્પદ રોગોને નાથવામાં કે અંકુશમાં લેવા માટે આરોગ્ય તંત્ર ખાડે ગયું હોય તેવું જણાય છે.

ગત અઠવાડિયે 15 બાળકોના રિપોર્ટ ગાંધીનગર મોકલાયા હતા જેમાંથી 7 બાળકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે

પંચમહાલ, દાહોદ તથા મધ્યપ્રદેશ થી ગત સપ્તાહે શંકાસ્પદ વાયરસનાં લક્ષણો ધરાવતા બાળ દર્દીઓ સારવાર અર્થે એસ.એસ.જી.હોસ્પિટલમા દાખલ કરવામાં આવ્યા હતા જેમાંથી 15 બાળકોના રિપોર્ટ ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા હતા જેમાંથી 7 બાળકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે જ્યારે બીજા રિપોર્ટ હજી આવવાના બાકી છે. હાલમાં પંચમહાલ અને દાહોદના ત્રણ બાળ દર્દીઓ શંકાસ્પદ સેન્ડફ્લાય વાયરના લક્ષણો ધરાવતા હોય જેમાંથી બે બાળકો આઇ.સી.યુ.મા સારવાર હેઠળ છે જ્યારે એક બાળકને આઇ.સી.યુ.માથી વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યું છે.દાહોદ જિલ્લાના રિયાન મુનિયા નામના એક વર્ષના બાળકનું શનિવારે મૃત્યુ નિપજ્યું છે જેનો રિપોર્ટ હજી આવવાનો બાકી છે ત્યારબાદ જ મૃત્યુનું સાચું કારણ જાણવા મળી શકે છે.

-ડો.આશ્રુતિ -નોડલ ઓફિસર,એસ.એસ.જી.હોસ્પિટલ, વડોદરા

Most Popular

To Top