વ્યારા, સોનગઢ અને વાલોડમાં સેલ્ટર હોમ બનાવાયા

લોકડાઉન દરમિયાન કોઈ પણ જાતની અગવડ કે મુશ્કેલી ન અનુભવવી પડે તે માટે તાપી જિલ્લામાં વ્યારા ખાતે શ્રી અટલ બિહારી આશ્રય સ્થાન, ગાંધી બાગ ખાતે, વાલોડ તાલુકામાં વેડછી વિદ્યાપીઠ ખાતે, અને સોનગઢમાં જૂની સિટી સર્વે કચેરી ખાતે શેલ્ટર હોમ કાર્યરત કરવામાં આવ્યા છે. જિલ્લામાં શાકભાજી, દૂધ અને કરિયાણા જેવી આવશ્યક ચીજવસ્તુઓની અગવડ ન પડે તે માટે શાકભાજી અને અનાજ કરિયાણાનું વહન કરતા વાહનો તથા વ્યક્તિઓને કુલ ૪૭૯૧ પાસ ઇસ્યુ કરવામાં આવ્યા હોવાનું વહીવટીતંત્રે જણાવ્યું છે. આવી ચીજવસ્તુઓનું પરિવહન નિર્વિઘ્ને કરી શકાય, સાથે જિલ્લાની ૧૬ જેટલી દુકાનોને હોમ ડીલીવરી માટે પણ મંજૂરી આપવામાં આવી છે.

શાકભાજીના વેચાણ માટે જિલ્લામાં ખુશાલપુરા, ગડત, ડોલવણ, મદાવ, કટાસવાણ, ખોડતળાવ, પનિયારી, બંધારપાડા, ટોકરવા ચાર રસ્તા, લીંબી, અને પીપળકુવા ખાતે શાકભાજીની વેચાણ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. શાકભાજી તથા અન્ય ખેત પેદાશો ગ્રામ્ય વિસ્તારમાંથી એ.પી.એમ.સી. કે વેચાણ કેન્દ્રો સુધી લાવવા-લઈ જવામાં ખેડૂતો કે વાહનચાલકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે, જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી કચેરી ખાતે રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલ રૂમ પણ શરૂ કરાયો છે. જેનો ટેલિફોન નમ્બર ૦૨૬૨૬-૨૩૦૩૬૫ છે. તાપી જિલ્લામાં આરોગ્ય વિષયક સેવાઓની વાત કરીએ તો અહીં, સદનસીબે અત્યાર સુધી એક પણ પોઝિટિવ કેસ નોંધાવા પામ્યો નથી. આરોગ્ય તંત્ર દ્વારા ડોર ટુ ડોર સ્ક્રિનિંગ ની કામગીરી સુપેરે કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં જિલ્લામાં ૯૪ % કુટુંબોની ચકાસણી પૂર્ણ કરવામાં આવી છે. સરહદી જિલ્લાની બોર્ડર ઉપર પણ આરોગ્ય કર્મીઓને ફરજ નિયુક્ત કરીને, આવતા જતા લોકોની ચકાસણી કરવામાં આવી રહી છે.

અત્યાર સુધીમાં તાપી જિલ્લામાં જાહેરનામું ઉલ્લંઘન કરનાર કરનારા શખ્સોના ૧૭ જેટલા વાહનોને પોલીસે ડિટેઈન કર્યા છે. કોરોનાની આફતને પહોંચી વળવા માટે જરૂરી સાધન સુવિધાઓનો વ્યાપ વધારવા માટે રાજ્યના મુખ્યમંત્રીનાં રાહત ફંડમાં, તાપી જિલ્લામાંથી અત્યાર સુધીમાં જુદી જુદી સંસ્થા, દાતાઓ તરફથી કુલ રૂ. ૨,૦૧,૦૦૦નું દાન હાલમાં સ્વીકારવામાં આવ્યું હોવાનું કલેકટર આર.જે. હાલાણીએ જણાવ્યું છે.

Related Posts