સ્થાયી સમિતિની બેઠકમાં 17 કામમાંથી માત્ર 12 કામો ને મંજૂરી અપાઈ
કાંસ ઢાંકવાના 7.35 કરોડના કામ સહિત બે કામ મુલતવી, વધુ અભ્યાસ કરાશે
વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠકમાં કુલ 17 કામોની દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી, જેમાંથી 12 કામોને મંજૂરી આપવામાં આવી છે, જ્યારે 4 કામો નામંજૂર કરાયા છે અને એક કામને મુલતવી રાખવામાં આવ્યું છે. વિશેષ નોંધપાત્ર બાબત એ રહી કે, વોર્ડ નંબર 9માં વિવિધ વિસ્તારોમાં વરસાદી ગટરના કામની અંદાજિત એક કરોડ રૂપિયાની દરખાસ્તને સ્થાયી સમિતિએ નામંજૂર કરી દીધી. આ મુદ્દે સભ્યોએ ઉગ્ર વલણ દાખવ્યું હતું. કેટલાક સભ્યોના આક્ષેપ અનુસાર, જે ઇજારદારને આ કામ સોંપવાનું આયોજન હતું તે હાલમાં શહેરની બીજી જગ્યાએ ચાલતાં કામમાં સંતોષકારક કામગીરી કરી રહ્યો નથી. આવા ઇજારદારને વધુ જવાબદારીઓ સોંપવી યોગ્ય નહીં હોવાનું મંતવ્ય વ્યક્ત કરતા આ દરખાસ્ત નામંજૂર કરાઈ હતી. વોર્ડ 5માં કલરવ હોસ્પિટલથી બાપોદ તલાટી ઓફિસ તરફના રસ્તાનું કાર્પેટ સિલકોટ કામ રૂ. 45.24 લાખના અંદાજે કરવાનું હતું, પરંતુ આ કામને પણ હાલ માટે નામંજૂર રાખવામાં આવ્યું છે.
ઉત્તર અને પૂર્વ ઝોનમાં વાર્ષિક ઈજારાથી થર્મોપ્લાસ્ટિક પેઇન્ટથી રોડ માર્કિંગના કામ માટે રૂ. 50 લાખની મર્યાદામાં મંજૂરી આપવામાં આવી છે. પરંતુ તેમાં શરત રાખવામાં આવી છે કે, જો આ કામગીરી સંતોષકારક સાબિત થાય તો આગળ વધુ ખર્ચ માટે પુનઃ સ્થાયી સમિતિની મંજૂર લેવી પડશે. તરસાલી રીંગરોડ પર ખુલ્લા રૂપારેલ કાંસને ઢાંકવાના રૂ. 7.35 કરોડના ખર્ચવાળા કામને પણ હાલ માટે મુલતવી રાખવામાં આવ્યું છે. સ્થાયી સમિતિના સભ્યોના મત અનુસાર, આટલા મોટા ખર્ચ છતાં સમસ્યાનું પૂરું નિવારણ થશે કે નહીં, તે અંગે અધિકારીઓને સ્ટડી કરવા કહેવાયું છે. તેમજ આ પ્રકારના કામ પહેલાં વધુ અભ્યાસ અને સુચિત આયોજન જરૂરી છે તેવું કહી સભ્યો દ્વારા આ કામ હાલ પૂરતું મુલતવી કરાયું છે.
