1,35,000 ચો.મી વિસ્તારમાં વિશિષ્ટ ઘાસ લગાવવાનો ખર્ચ 4.91 કરોડ
મંગલ પાંડે બ્રીજ પાસે લગાવાયેલું ઘાસ યોગ્ય જાણવણીના અભાવે દયનીય સ્થિતિમાં
ગત વર્ષ 2024ના ચોમાસા દરમિયાન વડોદરા શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે પુરની ગંભીર સમસ્યા સર્જાઈ હતી. શહેરી વિસ્તારોમાં પુરનું પાણી ભરાવા લાગતાં જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. આવી સ્થિતિ ભવિષ્યમાં પુનઃ સર્જાય નહીં અને જાનમાલનું નુકસાન અટકાવવામાં આવે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા વડોદરા શહેરના વરસાદી પાણીના વ્યવસ્થાપન માટે ઉચ્ચ કક્ષાની સમિતિની રચના કરાઈ હતી. આ સમિતિ દ્વારા ટેકનિકલ નિષ્ણાતો સાથેની ચર્ચા, સાઇટ વિઝિટ અને વિસ્તૃત અભ્યાસ બાદ વિશ્વામિત્રી નદીના પુનર્વ્યવસ્થાપન માટેના એક્શન પ્લાન મુજબ Geotextile Coir Woven ટેક્નિકનો અમલ કરવાનો એટલે કે એક ખાસ પ્રકારના ઘાસ લગાડવાનો નિર્ણય લેવાયો છે. હાલ આ કામ અંતર્ગત કામગીરી પણ પ્રગતિ પર છે. પરંતુ મળતી માહિતી મુજબ, આ ખાસ પ્રકારના ઘાસ લગાવાયા બાદ તેનો સેટિંગ પીરીયડ અંદાજે 2 થી 3 માસ જેટલો છે. પરંતુ પાલિકાના ઉતાવળિયા નિર્ણયને કારણે ચોમાસાના આંગળીના વેઢે ગણાય એટલા દિવસો બાકી રહ્યા છે તેવામાં ચોમાસામાં ભારે વરસાદ પડે અને પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો આ ઘાસ પાણી સાથે વહી જાય તેમ છે. એટલું જ નહીં, મુખ્યમંત્રીને બતાવવા માટે જ્યાં તાત્કાલિક આ ઘાસ લગાડ્યું હતું ત્યાં તો કામગીરી જ નિષ્ફળ નીવડી છે. આ ટેક્નિક અન્વયે નદીના બંને કાંઠાની ધસી જતી ભૂમિને મજબૂત બનાવવી અને પાણીના વહેણને નિયંત્રિત કરવો મુખ્ય ઉદ્દેશ છે. આ કામગીરી માટે રૂ. 4.91 કરોડના ભાવે પ્રોજેક્ટ ફાળવવામાં આવ્યો છે, જે અંદાજીત ખર્ચ કરતા 12.60% ઓછી રકમ છે.
આ કામગીરી પાલિકાના ફ્યુચરિસ્ટીક વિભાગની દેખરેખ હેઠળ કરવામાં આવી રહ્યું છે. પ્રથમ તબક્કામાં 1,35,000 ચો.મી વિસ્તારમાં એટલે કે માત્ર 0.135 સ્ક્વેર કિલોમીટર માં Geotextile Coir Woven સ્થાપિત કરવાનું આયોજન છે, અને આવશ્યકતા અનુસાર વધુ વિસ્તાર માટે પણ કામ વિસ્તારી શકાય તે માટે કમીશ્નરને ખાસ સત્તા પણ અપાઈ છે. ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રી જ્યારે વડોદરા વિશ્વામિત્રીનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા ત્યારે વેટીવર ઘાસ યુદ્ધના ધોરણે લગાવી દેવાયું હતું. પરંતુ હાલ ત્યાં યોગ્ય જાળવણીના અભાવે પરિસ્થિતિ વિકટ બની છે. વધુમાં તાજેતરમાં જ ત્યાં નાળું નાખવા માટે થઈને આ ઘાસને પણ નુકસાન પહોંચાડાયું હતું.
