Vadodara

વર્ક પરમિટ આપવાના બહાને અમદાવાદના શિક્ષક સાથે આચરી રૂ. 4.75 લાખની છેતરપિંડી

બોગસ લેબર લેટર સહિતના ડોક્યુમેન્ટ્સ આપી વિદ્યાર્થીઓનું ભવિષ્ય રોળ્યું, સુભાનપુરાની વિઝિટન્ટ સર્વિસના બે ડિરેક્ટરો સામે ગોરવા પોલીસ મથકે ગુનો દાખલ
​વડોદરા તા.5

અમદાવાદના ફ્રીલાન્સ શિક્ષકને વિશ્વાસમાં લઈ એજન્ટ દ્વારા અલગ-અલગ દેશોના વર્ક પરમિટ વિઝા અપાવવાના નામે રૂ.૪.૭૫ લાખ પડાવી લઈ બોગસ લેબર લેટર આપી છેતરપિંડી આચરવામા આવી હતી. પરંતુ કોઈ વિઝા નહીં બનાવી આપતા વડોદરાના સુભાનપુરા સ્થિત વિઝા કન્સલ્ટન્સીના બે ડિરેક્ટરો સામે ગોરવા પોલીસ સ્ટેશનમાં શિક્ષકે ફરિયાદ નોંધાવી છે.

​અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં રહેતા અને વિદ્યાર્થીઓને PTE તેમજ IELTSની તૈયારી કરાવતા ફ્રીલાન્સ શિક્ષક રીતેશ રંજન સિંહાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ પોતાના વિદ્યાર્થીઓ માટે વિશ્વસનીય વિઝા એજન્સીની શોધમાં હતા. આ દરમિયાન તેમને સુભાનપુરા સ્થિત વિઝિટન્ટ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડ વિશે જાણવા મળ્યું હતું. ડિસેમ્બર-2024માં કંપનીના કર્મચારીઓએ તેમનો સંપર્ક કરી ઓફિસે બોલાવ્યા હતા. જ્યાં કંપનીના ડિરેક્ટર નીરવ વાણંદ અને પ્રિયાંશુ શિંદે સાથે તેમની મુલાકાત થઈ હતી. ડિરેક્ટરોએ B2B (બિઝનેસ ટુ બિઝનેસ) ધોરણે સાથે કામ કરવાનો વિશ્વાસ આપતાં શિક્ષકે પોતાના વિદ્યાર્થીઓના વિઝા અને વર્ક પરમિટના કેસ તેમને સોંપવાનું શરૂ કર્યું હતું.
​ વિદ્યાર્થી ભાર્ગવ રાવલને હંગેરીમાં બેકરી હેલ્પર તરીકે વર્ક પરમિટ માટે રૂ. ૫ લાખ નક્કી થયા હતા. ૧ જાન્યુઆરી, ૨૦૨૫ના રોજ રૂ. ૧ લાખ એડવાન્સ જમા કરાવ્યા બાદ હંગેરીના વિઝા સસ્પેન્ડ છે તેમ કહી કેસ ઇટાલી અને ત્યારબાદ ગ્રીસમાં ટ્રાન્સફર કરવાનું કહી સમય પસાર કરાયો હતો. અન્ય ૮ વિદ્યાર્થીઓ વ્રજ ઉપાધ્યાય, અશોક ખટીક, રાહુલ પરમાર, માનસીંગ ગુરૂન, શુભમ છત્રિય, બ્રીજેશ ટીમ્બાડિયા, નવનીલ ત્રિવેદી અને રોનક મેવાડા માટે સ્લોવાકિયાની વર્ક પરમિટ પેટે રૂ. ૬ લાખ પ્રતિ વ્યક્તિ નક્કી કરાયા હતા. શિક્ષકે એપ્રિલ-મે ૨૦૨૫ દરમિયાન ટુકડે-ટુકડે રૂ. ૩.૭૫ લાખ ચુકવ્યા હતા. જૂન મહિનામાં ફાઇનલ સબમિશનની ખાતરી આપી વિદ્યાર્થીઓને લેબર લેટર આપવામાં આવ્યા હતા. પરંતુ ચકાસણી દરમિયાન આ તમામ લેબર લેટર બનાવટી અને ખોટા હોવાનું બહાર આવ્યું હતું.
​આમ આરોપીઓએ વર્ક પર મિનિટ બનાવી આપવાના બહાને રૂ. ૪.૭૫ લાખ મેળવી લીધા હતા. જેમાંથી તેમણે માત્ર રૂ. ૧ લાખ પરત આપ્યા હતા અને બાકીના રૂ. ૩.૭૫ લાખ વારંવાર માંગણી કરવા છતાં પરત ન આપી ખોટા દસ્તાવેજોના આધારે છેતરપિંડી આચરી હતી. પોલીસે ડિરેક્ટર નીરવ વાણંદ અને પ્રિયાંશુ શિંદે સામે ગુનો નોંધી વધુ કાયદેસરની તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top