ફાયર અને ગેસ વિભાગની તાત્કાલિક કામગીરીથી મોટી દુર્ઘટના ટળી
વડોદરા : મકરપુરા વિસ્તારમાં SRP ગ્રુપ 1 ગેટ પાસે લાઇન નાખવાની કામગીરી દરમિયાન ગેસ લાઇનમાં ભંગાણ થતાં ગેસ લીકેજ થયું હતું. આ ઘટનાથી ત્યાં તાત્કાલિક દોડધામ મચી ગઈ હતી અને લોકોમાં ચકચાર ફેલાઈ ગઈ હતી.
જ્યારે ઘટનાની જાણ થતાં જ ગેસ વિભાગની ટીમ અને ફાયર ડિપાર્ટમેન્ટના લાશ્કરો સ્થળ પર દોડી આવ્યા હતા. ગેસ વિભાગની ટીમે ઝડપી કાર્યવાહી કરીને લીકેજને તરત જ બંધ કરી દીધું હતું, જેથી મોટી દુર્ઘટનાની શક્યતા ટળી ગઈ હતી.
આ ઘટના સ્થળ પર SRP ગ્રુપ 1 ગેટ પાસે લાઇન નાખવાની કામગીરી દરમિયાન ગેસ લાઇનમાં ભંગાણ થવાથી સર્જાઈ હતી. ફાયર વિભાગ અને ગેસ વિભાગની ટીમોની સમયસર અને પ્રભાવશાળી કામગીરીને કારણે કોઈ જાનહાનિ થઈ નહોતી.
સ્થાનિક લોકો અને વિસ્તારમાં કાર્યરત કર્મચારીઓએ પણ આ કામગીરી દરમિયાન સાવધાની રાખવાની અપીલ કરી છે. ગેસ લાઇનની કામગીરી દરમિયાન સુરક્ષા નિયમોનું પાલન કરવું અત્યંત જરૂરી છે, જેથી આવી ઘટનાઓ ફરી ન બને.
રોજે રોજ ગેસ લાઈનમાં ભંગાણ થવાથી સ્થાનિકોમાં ભયનો માહોલ….
શહેરમાં કોન્ટ્રાક્ટરો દ્વારા આડેધડ કામગીરી અને પાલિકાના સુપરવાઇઝરની આળસના કારણે ગતરોજ વડોદરા શહેરના વોર્ડ નંબર 13 બગીખાનાથી જયરત્ન બિલ્ડીંગ સુધી પાલિકા તંત્ર દ્વારા રોડ પહોળો કરવાનું કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન સિયાબાગ પાસે રોડ પહોળો કરતી વખતે ગેસ લાઈનની પાઇપમાં ભંગાણ થયું હતું. જેના કારણે હજારો ઘરમાં ગેસ પુરવઠો નહીં મળતા રસોઈ બની શકી નહીં. રાંધણ ગેસનો પુરવઠો ખોરવાતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જેસીબી લઈને જેમ તેમ ખોદકામ કરનાર કોન્ટ્રાક્ટરના કારણે ગેસની મુખ્ય નલિકામાં ભંગાણ થવાથી 40 થી 45 હજાર પરિવારનો ગેસ પુરવઠો બંધ થઈ ગયો હતો.
