સ્કૂલના પ્રિન્સિપાલના મેલ પર ધમકી ભર્યો મેલ મળ્યો, વિદ્યાર્થીઓને શાળામાંથી રજા આપી દેવાઇ, ડરના માહોલ સાથે વાલીઓની બાળકોને લેવા દોડધામ, પોલીસ તંત્ર હરકતમાં
ડોગ અને બોમ્બ સ્કવોડ દ્વારા ચેકિંગ શરૂ
વડોદરા તારીખ 4
હરણી વિસ્તારમાં આવેલી સિગ્નસ વર્લ્ડ સ્કૂલ બાદ દિવાળીપુરાની ડી આર અમીન મેમોરિયલ સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ મળતા ચકચાર મચી ગઈ છે. જેના કારણે તમામ વિદ્યાર્થીઓને શાળામાંથી રજા આપી દેવામાં આવી છે. વાલીઓને મેસેજ દ્વારા જાણ કરાતા તેઓએ પણ પોતાના બાળકોને લેવા માટે દોડધામ કરી મૂકી હતી. પોલીસ તંત્ર પણ હરકતમાં આવી ગયું હતું અને ડોગ તેમજ બોમ્બ સ્ક્વોડ દ્વારા શાળા પરિસરમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

વડોદરા શહેરના હરણી વિસ્તારમાં આવેલી સિગ્નસ વર્લ્ડ સ્કૂલના પ્રિન્સિપાલને 4 જુલાઈ ના રોજ વહેલી સવારના મેલ પર તેમની સ્કૂલને બોમ્બ થી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હતી. ત્યારે આજ કેટલાક તત્વો દ્વારા દિવાળીપુરા વિસ્તારમાં આવેલી ડી આર અમીન મેમોરિયલ પુલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો મેલ શાળાના આચાર્યને કરવામાં આવ્યો હતો. જેથી પ્રિન્સિપાલ દ્વારા વાલીઓને મેસેજ કરીને સ્કૂલમાં બોમ્બ મુકાયો હોવાની ગમતી મળ્યા ના મેલ બાબતે જાણ કરીને તાત્કાલિક તેમના બાળકોને લઈ જવા માટેની સૂચના આપવામાં આવી હતી. જેના કારણે વાલીઓમાં ભયનો માહોલ ફેલાયો હતો અને તેઓ તાત્કાલિક પોતાના બાળકોને લેવા સ્કૂલ પર દોડધામ કરી મૂકી હતી. તમામ બાળકોને શાળામાંથી રજા આપી દેવામાં આવી હતી.

બીજી તરફ સ્થાનિક પોલીસ સહિત બોમ્બ અને ડોગ સ્કવોડ દ્વારા તાત્કાલિક સ્થળ પર દોડી આવીને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સૂત્રોમાંથી જાણવા મળ્યા મુજબ સીગ્નસ વર્લ્ડ સ્કૂલને વહેલી સવારે મેલ કર્યો હતો ત્યારે જ આ ડી આર અમીન સ્કૂલને પણ મેલ કરવામાં આવ્યો છે. જેથી આ મેલ એક જ આઈડી પરથી કરવામાં આવ્યો હોય તેવું હાલમાં સૂત્રોમાંથી જાણવા મળી રહ્યું છે.
