Vadodara

વડોદરા : સયાજીગંજમાં રસ્તા પર ટ્રાફિકને નડતરરૂપ ઉદ્યોગપતિ જયેશ ઠક્કરની કાર પોલીસ લઇ જતા વિવાદ

મારી કારમાં કોઇ દારૂ કે ઇલીગલ વસ્તુ હતી તો પોલીસ સ્ટેશન લઇ જવાઇ ? : જયેશ ઠક્કરના પોલીસ પર બેફામ આક્ષેપ

રસ્તા વચ્ચે કાર નડતર રૂપ હોવાથી કાર્યવાહી કરાઇ : ટ્રાફિક એસીપી

પ્રતિનિધિ વડોદરા તા.4

વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં ગાલવ ચેમ્બર્સમાં ઓફિસ ધરાવતા ઉદ્યોગપતિ જયેશ ઠક્કરની રસ્તા પર ટ્રાફિકને નડતરરૂપ મર્સીડીઝ કારને પોલીસે ટ્રાફિકની કચેરી ખાતે લઇ જતાં વિવાદ વકર્યો હતો. ભારે જીભા જોડી બાદ ઉચ્ચ અધિકારીના હસ્તક્ષેપ બાદ કારને છોડી દેવાતા મામલો શાંત પડી ગયો હતો. ઉદ્યોગપતિ જયેશ ઠક્કર દ્વારા મારી કારમાં દારૂ કે અન્ય કોઇ ઇલીગલ વસ્તુ હતી કે કાર પોલીસ સ્ટેશન લઇ જવાઇ તેવું કહી સ એસીપી સામે ઘણા આક્ષેપો કરાયા હતાં. આક્ષેપને નકારી કાઢીને ટ્રાફિકને નડતરરૂપ કાર રસ્તા પડી હોવાથી કાર્યવાહી કરવામાં આવી હોવાનું એસીપીએ જણાવ્યું હતું.

વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં આવેલા ડેરીડેન સર્કલ પાસે ગાલવ ચેમ્બર્સમાં ઓફિસ ધરાવતા ઉદ્યોગપતિ જયેશ ઠક્કર પોતાની ઓફિસમાંથી ફેક્ટરી પર જઇ રહ્યા હતા. દરમિયાન જયેશ ઠક્કરને લેવા માટે તેમના મર્સિડીઝ કાર ગાલવ ચેમ્બર નીચે આવીને ઉભી રહી હતી. કાર રસ્તા પર ટ્રાફિકને નડતરરૂપ હોવાથી ટ્રાફિક પોલીસ કોન્સટેબલે કાર પાસે આવી જયેશ ઠક્કરને કહ્યું હતું કે, તમારી ગાડી પશ્ચિમ ટ્રાફિક શાખાની કચેરીએ લઈ લો, અમારા અધિકારી બોલાવે છે. તેમ કહીને તેમની કારને ટ્રાફિક પોલીસની કચેરીએ લઇ જવામાં આવી હતી .

આથી વિફરેલા ઉદ્યોગપતિ જયેશ ઠક્કરે પોલીસ પર આક્ષેપ કર્યા હતા કે , કાળા રંગના કાચવાળી ગાડીમાં બેઠેલા પોલીસ અધિકારીએ મને મારી ગાડી સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં લઈ જવા જણાવ્યું હતું. જેથી મેં કહ્યું હતું કે 18 ગાડીઓ પડી છે. તેમાંથી મારી ગાડી કેમ લઈ જાવ છો? અહીં ગાડી પાર્કિંગ કરી નથી પરંતુ ડ્રાઇવર લેવા માટે આવ્યો હતો. ત્યારબાદ મારી ગાડી ટ્રાફિક શાખામાં લઈ જવાઈ હતી. પોલીસ અધિકારી ખાખી વરધીનો રોફ મારીને કયા કાયદા હેઠળ મારી કાર પોલીસ સ્ટેશનમાં લઈ ગયા ? મારી કારને કેમ ટાર્ગેટ કરાઇ છે? અમારી કારમાં કોઈ દારૂ કે અન્ય ઇલીગલ વસ્તુ ન હતી તેમ છતાં અમારી ગાડી કેમ લઈ ગયા હતા. તેના માટે મે એસીબી, એચએમ અને સીએમ સુધી રજૂઆત કરી છે.

ટ્રાફિક એસીપી ડી.એમ. વ્યાસે જણાવ્યું હતું કે, તેઓએ કરેલા તમામ આક્ષેપો ખોટા છે. તેમની કાર રસ્તા વચ્ચે પાર્ક કરેલી હતી અને અમે ટ્રાફિકની કચેરીએ વાહન લઈ જઈને ચાલકો દંડ આપતા હોઈએ છીએ. એટલે માટે લઈ જવામાં આવી હતી. ત્યારબાદ જયેશ ઠક્કરે એમના ડ્રાઇવરને ઠપકો આપ્યો હતો અને આવું ફરી નહીં થાય. તેવી બાહેધરી આપતા અમે તેમને જવા દીધા હતા. એમને જે તપાસ કરાવવી હોય એ કરાવે અમે ખોટા નથી અને ખોટુ પણ કર્યું નથી.

Most Popular

To Top