અકસ્માત અંગેની મોકડ્રિલ હોવાની જાણ થતા હાશકારો

( પ્રતિનિધિ )વડોદરા,તા.14
હાલ યુદ્ધ મહદ અંશે શાંત થયું છે પરંતુ તે અંગે હજુ ઘણી અનિશ્ચિતતા વર્તાઈ રહી છે. ત્યારે વડોદરા રેલવે સ્ટેશન ખાતે અચાનક સાયરન રણકવા લાગતા મુસાફરોમાં તરત તરહની ચર્ચાએ જોર પકડ્યું હતું. જોકે,અકસ્માત અંગેની મોકડ્રિલ હોવાની જાણ થતા હાશકારો અનુભવ્યો હતો.

દેશમાં યુદ્ધ જેવી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા વિવિધ વિસ્તારમાં સાયરન મૂકવામાં આવ્યા છે. જ્યારે યુદ્ધ ચાલતું હોય અને હુમલાની ઘડીએ નાગરિકોને ત્યાંથી ખસી જવા અથવા બંકરમાં જવાના ઉદ્દેશ સાથે સાઇરન વગાડવામાં આવતા હોય છે. તાજેતરમાં તારીખ 7 મેના રોજ સાંજે 7:30 થી 8 કલાકે બ્લેકઆઉટ જાહેર કરવામાં આવ્યું હતું. તેની સાથે વિવિધ વિસ્તારમાં સાયરન વગાડવામાં આવ્યા હતા. પરંતુ ત્યારબાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે શરૂ થયેલું યુદ્ધ મહદ અંશે શાંત થઈ ગયુ છે અને હવે બંને દેશો વાટાઘાટના સ્તર પર આવ્યા છે. જેથી હાલ પૂરતું યુદ્ધ ટળી ગયું હોય તેવું મનાઈ રહ્યું છે. આ વચ્ચે આજે સવારના સમયે અચાનક રેલવે સ્ટેશન ખાતે અચાનક સાયરન સાંભળવા મળ્યું હતું. અંદાજે ચારથી પાંચ મિનિટ સાયરન વાગતા અહીંથી પસાર થતા લોકોમાં તરહ તરહની ચર્ચાઓ શરૂ થઈ હતી. આ વચ્ચે સાવલી નજીક સમિયાલા ખાતે રેલવે અકસ્માતની મોકડ્રિલ થઈ હોવાના કારણે આ સાઇરન વાગ્યું હોવાની માહિતી મળવા પામી હતી.
