ક્રિસ્ટલ પ્રમુખના ફ્લેટની લોન બાકી છતાં માલિકે વેચાણ આપી મહિલા પાસેથી રૂ.17.50 લાખ પડાવ્યાં
વારંવાર મકાનનો દસ્તાવેજ કરી આપવા કહેવા છતાં માલિક ગલ્લા તલ્લા કરતો હોય શંકા ગઇ
મહિલાએ વડોદરામાં રહેતા અને એમએસયુનિ.માં અભ્યાસ કરતા પુત્ર માટે મકાન ખરીદયુંને ઠગાયાં
પ્રતિનિધિ વડોદરા તા.5
ગોત્રી વિસ્તારમાં ક્રિસ્ટલ પ્રમુખમાં મકાન ધરાવનાર માલિકની લોન ભરપાઇ કરવાની બાકી હોવા છતાં ઠગે ફ્લેટ મધ્યપ્રદેશની મહિલાને વેચાણ આપી તેમની પાસેથી રૂ.17.50 લાખ પડાવી ઠગાઇ આચરી હતી. જેથી મહિલાએ મકાન માલિકએ વેચાણ દસ્તાવેજ ન કરી આપતા ઠગ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.
મધ્યપ્રદેશના રૂપાખેડા ગામે રહેતા સુમિત્રાબેન યુમસિંહ પરમાર ઝાબુઆ ખાતે હરીઓમ જનરલ સ્ટોરના નામથી દુકાન ચલાવે છે. જ્યારે તેમનો પુત્ર વડોદરા ખાતે રહીને એમ.એસ.યુનિ.માં અભ્યાસ કરતો હતો. તે દરમિયાન ક્રિકેટની પ્રેકટીસ કરવા માટે જતો હતો. પુત્રને રહેવામાં તકલીફ પડતી હોય માતાપિતાએ વડોદરામાં મકાન લેવાનું નકકી કર્યું હતું. જેથી પુત્રએ ઓનલાઇન હાઉસિંગ.કોમ વેબસાઇટ ઉપરથી ગોત્રી વિસ્તારમાં ક્રિસ્ટલ યગ્ન પુરુષમાં મકાન જોવા માટે ગયો હતો. તેને મકાન પસંદ પડયુ ન હતું પરંતુ પુત્ર જે મકાન જોવા માટે ગયો હતો તે મકાનમાં રહેતા મનોજ પટેલે તેના એક મિત્રને મકાન વેચવાનું છે. જેથી તેમના પુત્રે ક્રિસ્ટલ પ્રમુખમાં ઈ ટાવરમાં મકાન જોયુ હતુ. ત્યારે મકાન પુત્રને પસંદ પડતા લેવાની હા પાડી અને માતા પિતાને પણ જાણ કરી હતી. 13 મેના રોજ તેઓ વડોદરા ખાતે આવી રોહિતભાઈ કાનજીભાઈ રાવલ (રહે. સલાટવાડા)નું ગોત્રી વિસ્તારમાં ક્રિસ્ટલ પ્રમુખ ફલેટનુ મકાન જોયુ હતુ અને પસંદ પડતા તેજ દિવસે રૂ.3.50 લાખ ચુકવી દીધા હતા. જેની તેઓએ એક ટોકન પાવતી લખી આપી હતી. ત્યારબાદ તેઓએ ઓનલાઇન રોહિત રાવળને બાકીના રૂ.17.50 લાખ મકાનની નક્કી કરેલી કિંમત ચૂકવી દીધી હતી. વારંવાર મકાનનો વેચાણ દસ્તાવેજ કરી આપો તેમ કહેતા હતા પરંતુ મકાન માલિકે હાલમાં ઓરીજનલ દસ્તાવેજ બેન્કમાં જમા છે અને બેન્ક મેનેજર બહાર હોય તેને આવતા એક મહિના ઉપર થાય તેમ છે. જેથી તમે મકાનમાં રહેવા માટે આવી જાવ તેમ કહ્યું હતું. જેથી પુત્ર 1 જુલાઈ 2024ના રોજથી મકાનમાં રહેવા માટે આવી ગયો હતો. મહીના ઉપર સમય થઈ જતા મહિલાએ રોહિત રાવળને મકાનનો વેચાણ દસ્તાવેજ કરી આપો તેમ કહ્યું હતું. ત્યારે તેણે મહિલાને મકાન પર લોન લીધો હોય બેન્કમાં ભરવાની બાકી છે. તેની પાસે પૈસા નથી અને આવશે ત્યારે બેન્કમાંથી ઓરીજનલ દસ્તાવેજ છોડાવીને તમને વેચાણ દસ્તાવેજ કરી આપીશ. તમે કોઈ ચિંતા ન કરો અને શાંતિથી ત્યાં રહો તમને મકાન ખાલી કરાવવાનો નથી. પુત્ર નિરજ ત્યા મકાનમાં રહેવા લાગ્યો હતો. દરમિયાન એસબીઆઈ બેન્કના કર્મચારી ઘરે આવ્યા હતા અને બેન્કની લોન ભરપાઈ કરી ન હોય મકાનને સીલ મારી દઈશું તેમ જણાવ્યુ હતું. ત્યારે મકાન માલિકના કૌભાંડનો ભાંડો ફૂટ્યો હતો. રોહિત રાવળ ક્રિસ્ટલ પ્રમુખ ફલેટનો દસ્તાવેજ બેંકમાં જમા અને લોન બાકી હોવા છતાં મકાન એમપીને મહિલાને વેચાણ આપવાનું કહી તેમની પાસેથી રૂ. 17.50 લાખ પડાવીને છેતરપિંડી આચરી હતી. જેથી મહિલાએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં રોહિત રાવળ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
