Vadodara

વડોદરા : બેફામ બનેલા ખાનગી શાળા સંચાલકો સામે કાર્યવાહી,વિબગ્યોર સ્કૂલ સામે ડીઈઓની દંડાત્મક કાર્યવાહી

( પ્રતિનિધિ )વડોદરા,તા.11

વડોદરાના ભાયલી વિસ્તારમાં આવેલી વિબગ્યોર સ્કૂલ સામે વાલીઓએ કરેલી ફરિયાદ બાદ હરકતમાં આવેલ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. આ સ્કૂલને ત્રીસ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

ઈન્ચાર્જ જિલ્લા શિક્ષણ અધિકારી મહેશ પાંડેએ જણાવ્યું હતું કે આ સ્કૂલને સરકાર તરફથી અપાયેલી સૂચનાનું પાલન નહીં કરવા બદલ દસ હજાર રૂપિયા, વિદ્યાર્થીઓને સ્કૂલમાંથી જ યુનિફોર્મ અને સ્ટેશનરી ખરીદવા બદલ દસ હજાર રૂપિયા અને લાયકાત વગરના શિક્ષકો થકી શિક્ષણકાર્ય કરાવવા બદલ દસ હજાર રૂપિયાનો એમ કુલ ત્રીસ હજાર રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, વિબગ્યોર સ્કૂલના સો જેટલા વાલીઓ દ્વારા કચેરીને ફરિયાદ કરવામાં આવી હતી કે વિબગ્યોર સ્કૂલના સંચાલકો એફઆરસી એ નક્કી કરેલી ફી કરતા વધારે ફી લઈ રહ્યા છે, તેમજ સ્કૂલમાંથી જ યુનિફોર્મ, સ્ટેશનરી ખરીદવાની ફરજ પાડે છે. એ પછી અમે ચાર અધિકારીઓની ટીમને સ્કૂલમાં તપાસ માટે મોકલી હતી. આ ટીમની તપાસમાં વાલીઓએ કરેલા આક્ષેપો સાચા હોવાનુ જણાવ્યુ હતું. સ્કૂલને રાઈટ ટુ એજ્યુકેશન એકટની કલમ 17, 19 અને 23નું ઉલ્લંઘન કરવા બદલ કુલ ત્રીસ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ રકમ સ્કૂલે સાત દિવસમાં ભરવાની રહેશે. નહીંતર સ્કૂલ સામે આગળની કાર્યવાહી થશે. ડીઈઓ એ કહ્યું હતું કે, ગુજરાત બોર્ડ સ્કૂલ હોય કે સેન્ટ્રલ બોર્ડ સ્કૂલ, દરેક સ્કૂલે સરકારના નિયમોનું પાલન કરવાનું રહેશે. નહીંતર આવી તમામ સ્કૂલો સામે કાર્યવાહી કરવામાં આવશે.

Most Popular

To Top