વૃદ્ધ દંપતી અમિતનગર ખાતે રહેતા,તેમના બહેનના ઘરે ગયા હતા, ન્યુ વીઆઇપી રોડ પર સાંઇદીપનગર સોસાયટીના બે મકાનમાં તસ્કરો ત્રાટક્યાં
પ્રતિનિધિ વડોદરા તા.3
વડોદરાના ન્યુ વીઆઇપી રોડ પર આવેલા સોસાયટીમા તસ્કરો ત્રાટક્યા હતા અને બેન્ક ઓફ બરોડાના નિવૃત કર્મચારીના મકાન સહિત બે મકાનોને નિશાન બનાવી તેમાંથી સોનાના દાગીના ચાંદીના સિક્કા અને રોકડ રકમ મળી રૂ. 1.78 લાખ માલમતાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જેથી મકાન માલિક વૃદ્ધે હરણી પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે.
વડોદરા શહેરના ન્યુ વીઆઇપી રોડ પર આવેલી સાંઇદીપનગર સોસાયટીમાં રહેતા અતુલભાઇ નવટરભાઇ ત્રિવેદી (ઉં.વ.65) બેન્ક ઓફ બરોડામાંથી નિવૃત જીવન ગુજારે છે. ગત 2 ફેબ્રુઆરીના રોજ બપોરના એક વાગ્યાની આસપાસ તેમના ઘરને તાળુ મારીને બંધ કરીને મોટા બહેન અનિલાબેન ઓઝા (રહે. રણછોડપાર્ક અમિતનગર) ખાતે ગયા હતા અને ત્યાં જ રોકાયા હતા. 3 ફેબ્રુઆરીના રોજ સાત વાગ્યાની આસપાસ તેઓ પરત ઘરે આવ્યા હતા ત્યારે તેમના મકાનના મુખ્ય લોખંડની જાળીના દરવાજાનો નકુચો તુટલુ જણાયું હતું. જેથી તેઓએ ઘરમાં બેડરૂમમાં જઇને લાકડાની તિજોરીમાં તપાસ કરી હતી ત્યારે તેમા મુકેલો સામાન વેર વિખેર હાલત પડેલો હતો. ત્યારબાદ ડ્રોઅરમાં જોતા ચાંદીના સિક્કા, સોનાના બુટ્ટી તેમજ રોકડ રૂપિયા 1.50 લાખ મળી રૂ. 1.55 લાખની માલમતાની ચોરી થઇ હોવાનું માલૂમ પડ્યું હતુ. તસ્કરો સોસાયટીના વસંતભાઇ સોલંકીના મકાનનું તાળુ તોડયું હતુ અને રૂ. 23 હજારના ચોરી કરી હતી. આ બંને મકાનોમાંથી તસ્કરો સોના દાગીના, ચાંદીના સિક્કા અને રોકડ રકમ મળી રૂ. 1.78 લાખની મતાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. જેથી અતુલભાઇ ત્રિવેદીએ હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા ગુનો નોંધી તસ્કરોનું પગેર મેળવવાની તજવીજ શરૂ કરી છે.
