Vadodara

વડોદરા પાલિકાના ફૂડ વિભાગે ૨૧ દિવસમાં ૧૮૦થી વધુ લારીઓ, દુકાનો અને ફૂડ વેન્ડીંગ પર કાર્યવાહી કરી


વડોદરા: શહેરમાં ઉનાળાની ઋતુને અનુલક્ષીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર જનતાના આરોગ્યની સુખાકારીને ધ્યાનમાં રાખીને છેલ્લા ૨૧ દિવસથી ખોરાક શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ખાદ્યસુરક્ષા અંગે સઘન ચેકિંગ હાથ ધરાયું છે. ફૂડ સેફ્ટી ઓફિસરોની બે ટીમો દ્વારા અલકાપુરી, ફતેપુરા, ન્યુ સમા રોડ, ખોડીયાર નગર, માણેજા, સંગમ ચાર રસ્તા, ગેંડા સર્કલ સહિતના વિસ્તારોમાં કુલ ૧૪૪ ખાણીપીણીની લારીઓ, ૧૦ દુકાનો અને ૨૪ ફૂડ વેન્ડીંગ એસ્ટાબ્લિશમેન્ટમાં અચાનક તપાસ હાથ ધરવામાં આવી. તપાસ દરમિયાન ૧૧૦ લીટર પાણીપુરીનું પાણી તથા ૭૦ કિલો બાફેલા બટાટા, ચણા, ગ્રેવી, કાપેલા શાકભાજી, તથા સિંથેટીક ફૂડ કલર જેવા અખાદ્ય ખાદ્યપદાર્થોનો સ્થળ પર જ નાશ કરાયો.

ખોરાક અને ઔષધ નિયમનતંત્ર, ગાંધીનગર દ્વારા ફાળવાયેલ ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ નામની મોબાઈલ ફૂડ ટેસ્ટિંગ વાન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં ૮ ટ્રેનિંગ અને ૧૦ અવેરનેસ પ્રોગ્રામ યોજાયા. તેમજ ન્યાય મંદીર, તરસાલી બાયપાસ, સુશેન ચાર રસ્તા સહિતના વિસ્તારોમાંથી લેવાયેલા માવો, ઘી, ગ્રેવી, આઈસ્ક્રીમ, ચટણી જેવા કુલ ૩૩૭ નમૂનાઓનું સ્થળ પરજ પરીક્ષણ કરવામાં આવ્યું. જેમાંથી ૧૯ સ્થળોએ તેલની ઘનતા પણ માપવામાં આવી. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ ૨૦૦૬ તથા નિયમો ૨૦૧૧ મુજબ શિડયુલ–૪ અનુસાર તમામ ખાદ્ય એકમોને સ્વચ્છતા જાળવવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે. સાથે જ પાલિકા દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે દરેક લારી, હોટલ, રેસ્ટોરન્ટ વગેરેમાં ખાદ્ય ચીજ બનાવવામાં જે કુકીંગ મિડીયમ (જેમ કે પામોલીન, કપાસીયું તેલ, સીંગતેલ) વપરાય છે તેનો ખુલાસો મોટાં અક્ષરમાં બોર્ડ દ્વારા જાહેર જનતાને વંચાય તે રીતે કરવો ફરજિયાત રહેશે.

બોર્ડ માટેના બંધારણ પણ નક્કી કરવામાં આવ્યા છે જેમ કે, અહીં બનાવવામાં આવતો ખોરાક (કુકીંગ મિડીયમ) માંથી બનાવવામાં આવે છે. તેમજ ભાજી પાઉ, સેન્ડવિચ, વડાપાઉ, વગેરે પર વપરાતા ઘી, બટર અથવા ફેટ સ્પ્રેડ માટે અલગ બોર્ડ પણ ફરજિયાત કરાયા છે, અહીં બનાવવામાં આવતા ખોરાક ઉપર (ઘી/બટર/ટેબલ માર્ગેરીન) લગાવવામાં આવે છે.

Most Popular

To Top