પ્રતિનિધિ વડોદરા તારીખ 13
અછોડાતોડ ટોળકીના આરોપીઓને પોલીસ ઝડપી પાડતી હોવા છતાં વડોદરા શહેરમાં ચેન સ્નેચિંગના બનાવો તો બનતા જ રહે છે. ત્યારે આજવા રોડ પર વધુ એક મહિલાનો અછોડો તૂટ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. યોગેશ્વર ટાઉનશિપમાં રહેતું દંપતી મોર્નિંગ વોકમાં નીકળ્યું હતું. તે દરમિયાન નંબર પ્લેટ વગરની બાઈક પર આવેલા બે ગઠીયા મહિલાના ગળામાંથી રૂપિયા 35 હજારની સોનાની ચેન તોડીને રફૂચક્કર થઈ ગયા હતા.
વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં અછોડાતોડ ટોળકી જાણે આતંક મચાવી મૂક્યો છે, પોલીસ દ્વારા પણ જેને સ્નેચિંગના ગુના આચારનાર આરોપીઓની પણ ધરપકડ કરી લેવામાં આવે છે. તેમ છતાં ચાલતા તથા ટુવ્હીલર પર જઈ રહેલી મહિલાઓને નિશાન બનાવીને તેમના ગળા માંથી સોનાની ચેન અને મંગળસૂત્રની ચીલ ઝડપ થવાની ઘટનાઓ બંધ થવાનું નામ લેતી નથી. ત્યારે આજવા રોડ પર વધુ એક મહિલાનો અછોડો તૂટ્યો હોવાનો બનાવ સામે છે. જેમાં એવી વિગત છે કે આજવા રોડ પર આવેલી જય યોગેશ્વર ટાઉનશિપ વિભાગ 2 સોસાયટીમાં રહેતા ચંદ્રકાંતી ભોલાપ્રસાદ સિંહ પોતાના પતિ સાથે વહેલી સવારે મોર્નિંગ વોક કરવા માટે નીકળ્યા હતા. તેમનું ચાલવાનું પૂર્ણ કરીને દંપતી પંડિત દિન દયાળ ચાર રસ્તા પાસેથી પોતાના ઘરે પરત જઈ રહ્યા હતા. તે દરમિયાન નંબર વગરની બાઈક પર આવેલા બે ગઠીયા પૈકી એક શખ્સે અચાનક મહિલાના ગળામાં હાથ નાખીને રૂપિયા 35 હજારની પેન્ડલ સાથેની એક તોલાની સોનાની ચેન તોડીને રફુચક્કર થઈ ગયા હતા. પતિએ પોલીસ કંટ્રોલમાં ફોન કર્યો હતો પરંતુ બાઈક સવાર બંને ગઠીયા આજવા ચેકપોસ્ટ તરફ જતા ભરવાડ વાસની ગલીમાંથી વળીને ફરાર થઈ ગયા હતા. મહિલાએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બાઈક સવાર બંને ગઠીયાઓને ત્યાં લગાવેલા સીસીટીવી ફૂટેજ ના આધારે ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
