કમલેશ દેત્રાજાએ આજવાથી ગોલ્ડન ચોકડી તરફ ફેંકેલો મોબાઇલ હજુ મળ્યો નથી, સુખલીપુરા જમીન કૌભાંડમાં કમલેશના રિમાન્ડ પુરા થતા આજે કોર્ટમાં રજૂ કરાશે
પ્રતિનિધિ વડોદરા તા.4
વડોદરા જિલ્લાના સુખલીપુરા જમીન કૌભાંડ કરીને કરોડો રૂપિયા પડાવીને ઠગાઇ આચનાર બે આરોપી પૈકી કમલેશ દેત્રોજા રિમાન્ડ પર છે. ત્યારે તેણે આજવા ચોકડીથી ગોલ્ડન તરફ આવતા સર્વિસ રોડ પર મોબાઇલ ફેક્યો હોવાનું કહ્યું હતુ. જેથી પોલીસે ત્યાં તપાસ કરી પરંતુ કોઇ મોબાઇલ મળ્યો નથી. દિલીપસિંહ ગોહિલનું લોકેશન ગુજરાત બહાર મળતા અન્ય રાજ્ય તરફ ભાગી ગયો હોવાનું અનુમાન લગાવાઇ રહ્યું છે.
વડોદરા શહેરના સમા વિસ્તારમાં રહેતા અને ભાજપના કોર્પોરેટર પરાક્રમસિંહ જાડેજા તથા આમલીયારાના એક પુજારીને જમીન વેચાણ આપવાનું કહીને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ દિલીપસિંહ ગોહિલ તથા વેપારી કમલેશ દેત્રાજાએ કરોડો રૂપિયા પડાવીને છેતરપિંડી આચરી હતી. જેની ફરિયાદ સમા પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે વેચાણ દસ્તાવેજમાં જમીન મૂળ માલિક તરીકે સહી કરનાર ઠગની ધરપકડ કરી લીધી હતી. જેની તપાસ ઈકો સેલને સોપાતા પોલીસ દ્વારા બે મુખ્ય આરોપી પૈકી કમલેશ દેત્રોજાને તેના અટલાદરાના ઘરેથી દબોચી લેવામાં આવ્યો હતો. તેની વધુ પુછપરછ કરવા માટે પોલીસે તેને કોર્ટમાં રજૂ કરીને બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જેમાં પોલીસની પૂછપરછ દરમિયાન કમલેશ દેત્રોજાએ પોલીસને કહ્યું હતું કે તેનો મોબાઇલ આજવા ચોકડીથી ગોલ્ડન તરફ આવતા સર્વિસ રોડ પર ફેક્યો હતો. જેથી પોલીસ દ્વારા આરોપીએ ફેંકેલા મોબાઇલની શોધખોળ કરવા તેણે બતાવેલા સ્થળ પર લઇને પહોચી હતી પરંતુ મોબાઇલ મળી આવ્યો ન હતો. બીજી તરફ દિલીપ ગોહિલ ફરિયાદ નોંધાયાના ઘણા દિવસો થઇ ગયા છતાં પોલીસના હાથમાં આવતો નથી. દિલીપ પોતાના મકાનને તાળુ મારીને પરિવાર સાથે જાણે ભૂગર્ભમાં ઉતરી ગયો હોય તેમ હજુ પોલીસના હાથમાં આવ્યો નથી. પોલીસ મોબાઇલ લોકેશન ટ્રેસ કરવાનો પ્રયાસ કરતા હાલમાં ગુજરાત બહારનું લોકેશન મળી રહ્યું છે. પરંતુ તેનો મોબાઇલ ચાલુ બંધ કરતો પોલીસને પણ દુવિધા ઉભી થઇ રહી છે.
