બોમ્બ-ડોગ સ્ક્વોડ સાથે ચાર મોટા ગરબા ગ્રાઉન્ડ, પાર્કિંગ અને સેન્ટ્રલ સ્ટેશનમાં સઘન ચેકિંગ,
શંકાસ્પદ વસ્તુ અને વાહનો પર પણ પોલીસની બાજ નજર
વડોદરા, તા.7
નવરાત્રીના ગરબામાં હજારોની મેદની ઉમટે તે પહેલાં વડોદરા શહેર પોલીસે સુરક્ષાનો કિલ્લો વધુ મજબૂત બનાવ્યો છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેના માટે મોટી ભીડવાળા સ્થળોને ટાર્ગેટ બનાવી SOGએ બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ સાથે ગરબા ગ્રાઉન્ડથી માંડીને રેલવે સ્ટેશન સુધી સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરતાં પોલીસની સતર્કતા જોવા મળી હતી.
પોલીસ કમિશનર નરસિમ્હા કોમારની સૂચનાથી SOG દ્વારા વડોદરા સેન્ટ્રલ રેલવે સ્ટેશન ઉપરાંત યુનાઇટેડ-વે, વાઇબ્રન્ટ, સારા ફાઉન્ડેશન અને બીટા ગરબા ગ્રાઉન્ડ ખાતે સઘન તપાસ કરવામાં આવી હતી. નવરાત્રી દરમિયાન મોટી સંખ્યામાં લોકો એકત્ર થવાના હોવાથી કોઇ શંકાસ્પદ વસ્તુ કે અનિચ્છનીય પ્રવૃત્તિ ન થાય તે માટે પોલીસે ખાસ તકેદારી રાખી હતી.
SOGના પીઆઇ ડી.જે. ચુડાસમાની હેઠળ બોમ્બ અને ડોગ સ્ક્વોડની ટીમોએ રેલવે સ્ટેશન પરિસરના પ્રવેશ-નિર્ગમ સ્થળો, પાર્કિંગ વિસ્તાર, પાર્ક કરાયેલા વાહનો તેમજ આસપાસ પડેલા સામાનની ઝીણવટભરી તપાસ કરી હતી.
ત્યારબાદ ચાર મોટા ગરબા ગ્રાઉન્ડ ખાતે પણ પોલીસની ટીમ પહોંચી હતી. ગરબા ગ્રાઉન્ડ તેમજ આસપાસના પાર્કિંગ વિસ્તારોમાં શંકાસ્પદ વસ્તુઓ અને પ્રવૃત્તિઓ અંગે તપાસ કરવામાં આવી હતી. નવરાત્રી દરમિયાન મોલ, શોપિંગ સેન્ટર, બગીચા, હોસ્પિટલો, સિનેમાઘરો અને ગરબા સ્થળોએ ભીડ વધવાની હોવાથી આવા સ્થળોએ પોલીસની નજર વધુ કડક બનાવવામાં આવી છે. નવરાત્રીના સમગ્ર તહેવાર દરમિયાન શહેરમાં શાંતિ અને સલામતી જળવાઇ રહે તે માટે SOG દ્વારા વિવિધ સંવેદનશીલ અને ભીડભાડવાળા સ્થળોએ સરપ્રાઇઝ ચેકિંગ ચાલુ રાખવામાં આવશે. સાથે જ શહેર પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા ગોઠવી નાગરિકોની સુરક્ષા માટે તકેદારી રાખવામાં આવશે.