Vadodara

વડોદરા: દક્ષિણ ઝોનમાં આર.સી.સી. રોડના કામે 5 કરોડના ઈજારામાં 100% વધારો કરાયો

સિટી ઈજનેરના 25% વધારાના નિયમને નેવે મૂકી ફાયદો પહોંચાડવાનો કારસો

27 સપ્ટેમ્બર 2024ના રોજ મંજુર ઠરાવ મુજબ RCC રોડના કામ માટે રૂ.5 કરોડની મર્યાદા નિર્ધારિત કરવામાં આવી હતી

વડોદરા: દક્ષિણ ઝોનમાં આર.સી.સી. રોડના કામો માટે અગાઉ મંજૂર થયેલ રૂ.5 કરોડના વાર્ષિક ઇજારા માટે રૂ.7 કરોડનો વધારાનો ખર્ચ મંજૂરી માટે સ્થાયી સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. પરંતુ સ્થાયી સમિતિએ આ કામ પાંચ કરોડની મર્યાદામાં કરવા સૂચવ્યું છે. અત્રે નોંધનીય છે કે, ઇજારદારની કામ કરવાની સમય મર્યાદા 30 સપ્ટેમ્બર 2025ના રોજ પૂર્ણ થવાની છે. આ કામનો ઇજારો પાલિકાએ 27 સપ્ટેમ્બર 2024 ના રોજ આપ્યો હતો. તે સમયે 5 કરોડની મર્યાદામાં કામગીરી કરવાની હતી. હાલનાં રૂ. 5 કરોડના બજેટમાંથી રૂ. 27.99 લાખ બાકી છે. ચોમાસાની શરૂઆત પણ થઈ ચૂકી છે. તેવામાં આ કામની રકમમાં 100% નો વધારો કરી દેવાતા પાલિકામાં ચર્ચાનો વિષય બન્યો છે. સિટી ઇજનેરને પરિપત્ર અનુસાર, કોઇપણ ઇજારાની સમય મર્યાદા અને રકમમાં 25% થી વધુ ન કરવાનું સૂચન છે. તેમ છતાં નિયમોને નેવે મૂકી 100% સુધી વધારો કરી દેવાયો છે. સ્થાયી સમક્ષ રજૂ થયેલી દરખાસ્તમાં 7 કરોડનો વધારો સૂચવ્યો હતો. પરંતુ સ્થાયી સભ્યોએ ચર્ચા કર્યા બાદ 5 કરોડની મર્યાદામાં કામ કરવા સૂચવ્યું છે.

મુળ દરખાસ્ત અનુસાર, 27 સપ્ટેમ્બર 2024ના રોજ મંજુર થયેલ ઠરાવ ક્રમાંક 248 હેઠળ દક્ષિણ ઝોન માટે આર.સી.સી. રોડના કામ માટે રૂ.5 કરોડની મર્યાદા નિર્ધારિત કરવામાં આવી હતી. આ કામ માટે મે. શકુ કન્સ્ટ્રક્શનને 5% ઓછા યુનિટ રેટ પર પસંદ કરવામાં આવ્યા હતા. પરંતુ હવે એકતરફ ચોમાસુ પણ શરૂ થયું છે અને ઇજારાની સમય મર્યાદા પૂર્ણ થવામાં પણ ત્રણ મહિના જેટલો સમય બાકી છે ત્યારે આટલી મોટી રકમ એકસાથે ફાળવી કોઈ ચોક્કસ વ્યક્તિઓને ફાયદો પહોંચાડવાનો કારસો રચાયો છે. નવો ઇજારો કર્યા વિના સીધા જ રકમમાં 100% વધારો કરી દેવાતા હાલ ચર્ચાનો વિષય બન્યો છે.

Most Popular

To Top