વડસર રોડ પર રહેતી મહિલા સાથે પતિ વારંવાર ઝઘડા કરતો હોય છુટાછેડા લઇ લીધા હતા, મહિલાની અન્ય યુવક સાથે સગાઇ થતા પૂર્વ પતિએ હેરાન કરવાનું શરૂ કર્યું
પ્રતિનિધિ વડોદરા તા.15
વડસર રોડ પર રહેતી મહિલાના પતિ સાથે મન મેળાપ નહી બેસતા બંને વચ્ચે ઝઘડા થયા કરતા હતા. જેથી મહિલાએ કંટાળીને આખરે પતિ સાથે છુટાછેડા લઇ લીધા હતા. દરમિયાન મહિલાના ઘરમાં પૂર્વ પતિ ઘુસી આવ્યો હતો. ત્યારબાદ તુ મારી સાથે કેમ રહેવા આવતી નથી, તુ મારી નહી તો કોઇની નહી તેમ કહી માર માર્યા બાદ ચાકુથી હુમલો કરીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. જેથી મહિલાના ફિયાન્સે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પૂર્વ પતિને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
વડોદરા શહેરના વડસર રોડ પર ઓમ સ્કૂલની પાછળ આવેલા વિશ્વાસ ટાવરમાં રહેતા અનિતાબેન જયંતિભાઇ પટેલના લગ્ન અગાઉ દિપક ગણપત પટેલ (રહે. મૂળ પાટણના હાલ મહેસાણા) ખાતે રહેતા સાથે થયા હતા. પરંતુ બંને વચ્ચે મનમેળ નહી બેસતા મહિલાએ તેની સાથે છુટાછેટા લઇ લીધા હતા. ત્યારબાદ મહિલાની સગાઈ સંજયકુમાર મંગળભાઇ પટેલ સાથે નક્કી થઇ હતી. જેની જાણ થતા પૂર્વ પતિ દિપક પટેલ દ્વારા તેણીની હેરાન ગતિ કરવાનુ શરૂ કર્યું હતું. દરમિયાન 14 મેના રોજ પૂર્વ પતિ મહિલાના ઘરમાં ઘુસી આવ્યો હતો અને તુ મારી સાથે કેમ રહેવા આવતી નથી, જો તુ મારી નહી તો કોઇ નહી તેમ કહી માર માર્યા બાદ તેની પાસેના ચાકુ વડે જાનથી મારી નાખવાની ઇરાદાથી મહિલા પર હુમલો કરીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઉપરાંત આજે તો બચી ગઇ છે, હુ તને તથા તારા પરિવારને જાનથી મારી નાખીશ, તેવી ધમકી પણ આપી હતી. જેથી મહિલાના ફિયાન્સ સંજયકુમાર પટેલ દ્વારા માંજલપુર પોલીસ સ્ટેશનમાં મહિલાના પૂર્વ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા હુમલાખોર દિપક ગણપત પટેલને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
