રાજલી ક્રોસિંગથી નવાપુરા પાટિયા સુધી ટ્રાફિકજામ : ઓવરબ્રિજની ધીમી કામગીરી અને ડાયવર્ઝનના કારણે સમસ્યા વકરી :
( પ્રતિનિધિ ) વડોદરા, તા.11
વડોદરા-ડભોઇને જોડતા મુખ્ય માર્ગ પર ટ્રાફિકજામની ગંભીર સમસ્યા સર્જાતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ડભોઇ વડોદરા રોડ ઉપર રાજલી ક્રોસિંગથી નવાપુરા પાટિયા સુધી લગભગ 3 કલાક સુધી વાહનોની લાંબી કતારો લાગતા રોડની બંને બાજુ ટ્રાફિક ખોરવાઈ ગયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, થુવાવી રાજલી ક્રોસિંગ પાસે છેલ્લા ઘણા સમયથી ઓવરબ્રિજની કામગીરી ચાલી રહી છે. બ્રિજનું કામ અત્યંત ધીમી ગતિએ ચાલતું હોવાથી માર્ગ મકાન વિભાગ દ્વારા વાહન વ્યવહાર માટે એક તરફ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જેના કારણે આ માર્ગ પર અવારનવાર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાય છે. આ ડાયવર્ઝન વાળા બ્રિજ પાસે એક તોતિંગ વાહન ખોટકાઈ જતા સમસ્યા વધુ વકરી હતી. ખોટકાયેલા વાહનના કારણે બ્રિજ પરથી પસાર થતો તમામ વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો અને જોતજોતામાં બંને તરફ વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી. લગભગ ત્રણ કલાક સુધી સર્જાયેલા આ ટ્રાફિકજામમાં અનેક વાહનચાલકો અને ખાસ કરીને નોકરિયાત વર્ગના વાહનો ફસાતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. વાહનચાલકોને કલાકો સુધી ગરમીમાં અટવાઈ રહેવું પડ્યું હતું. સ્થાનિકોની માંગ છે કે તંત્ર દ્વારા ઓવરબ્રિજની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવે અને ટ્રાફિકનું યોગ્ય સંચાલન કરવા માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે, જેથી રોજિંદા સર્જાતા ટ્રાફિકજામથી લોકોને રાહત મળી શકે.