
વડોદરા તા.10
વડોદરા શહેરના જુદા-જુદા જીમ અને ફિટનેસ સેન્ટર ઉપર વડોદરા શહેર પોલીસ, ફુડ ડીપાર્ટમેન્ટ (VMC) તથા ફુડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન (FDA) દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતું.
વડોદરા શહેરમાં ફિટનેસ અર્થે જીમ અને ફિટનેસ સેન્ટરોમાં જતા યુવાધન સહીતના નાગરીકોની સ્વાસ્થ્ય અને સલામતી અર્થે વડોદરા શહેરના મ્યુનિસિપલ કોર્પોરેશનના સિનિયર તેમજ ફુડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશનના અધિકારીઓ સાથે જરૂરી મીટીંગનું આયોજન કરવામા આવ્યુ હતું.
જેમા જીમ અને ફિટનેસ સેન્ટરના સંચાલકો થકી ન્યુટ્રાસ્યુટીકલ દવાઓ, પ્રોટીન પાઉડર તથા એનાબોલિક સ્ટીરોઇડનું ડોકટર ના પ્રિસ્ક્રિપ્શન વગર ગેરકાયદે વેચાણ કરતા હોવાની માહીતી મળી હતી. જેમાં પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમાર દ્વારા શહેરના નાગરીકોના સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સંવેદનશીલતા દાખવી પોલીસ, ફુડ સેફટી ઓફિસરો અને ડ્રગ્સ ઇન્સ્પેક્ટરની જોઇન્ટ ટીમ બની જીમ અને ફિટનેસ સેન્ટર ઉપર સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. જેના આધારે એસઓજીના 20 જેટલા અધિકારી અને કર્મચારી, ફુડ સેફટી (એફએસઓ) ઓફીસર 8 તથા કર્મચારીઓ તેમજ ડ્રગ્સ ઇન્સ્પેકટર 4 તથા કર્મચારી સાથેની જોઇન્ટ ટીમ બનાવી વડોદરા શહેર ખાતે આવેલા જુદા-જુદા જીમ અને ફિટનેસ સેન્ટર ઉપર વહેલી સવારના કલાક 6 થી 9 વાગ્યા સુધી સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતું. જે ચેકિંગની કામગીરી દરમ્યાન અધિકારીઓએ જીમ અને ફીટનેસ સેન્ટરોમાં સંચાલકો થકી વેચાણ કરવામાં આવત પ્રોટીન પાઉડર તેમજ હેલ્થ સપ્લીમેન્ટ તથા જેનેરીક ન્યુટ્રીશન પાઉડર તેમજ પ્રો-બ્રસ્ટ પાઉડરનું જરૂરી ચેકિંગ કરવામાં આવ્યુ હતું અને ચેકિંગની કામગીરી દરમ્યાન મળી આવેલા શંકાસ્પદ પ્રોટીન પાઉડરના ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટના અધિકારી દ્વારા સેમ્પલ ફૂડ એન્ડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ સેમ્પલ લેવામાં આવ્યા છે. જે શંકાસ્પદ પ્રોટીન પાઉડરમાં માનવ આરોગ્યને નુકશાન કારક પદાર્થની હાજરી છે કે કેમ ? તે ચકાસણી કરવા અર્થે સેમ્પલ પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં મોકલાવવામાં આવશે. જેનુ પરીણામ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. આગામી દિવસોમાં પણ વડોદરા પોલીસ દ્વારા જીમ અને ફિટનેસ સેન્ટર તથા પ્રોટીન પાઉડરનું વેચાણ કરતી દુકાન ઉપર વડોદરા શહેરના નાગરોકીના સ્વાસ્થ્યની સલામતી અવાર નવાર ચેકિંગ હાથ ધરવામાં આવશે.
