
વડોદરા તા.10
ગાંધીનગર ખાતે ફલેટમાં ઇન્ટિરિયર ફર્નિચરના કામ પેટે રૂ. 2.41 પડાવી લીધા બાદ પણ કામ નહી કરી આપી ઠગાઇના ગુનામાં સંડોવાયેલા અને ભાગતા ફરતા આરોપીને વડોદરાના અલકાપુરી વિસ્તારમાંથી શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી પાડ્યો હતો. આરોપીને આગળની કાર્યવાહી માટે ગાંધીનગર ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.
વડોદરા શહેરના દંતેશ્વર ખાતે ચિત્રા નગર સોસાયટીમાં રહેતા અને હોમ ઇન્ટોરીઓના નામથી ધંધો કરતા હેરીન નરેશભાઇ
પંચાલ ગાંધીનગર સરગાસણ ખાતેના ફલેટના ફર્નિચર તથા ઇન્ટિરિયર સહીતનું કામ રૂ.8.80 લાખમાં આપ્યું હતું. જેના પગલે હેરીન પંચાલે મકાન માલિક પાસેથી રૂ.2.41 લાખની રકમ પડાવી લીધી હતી. પરંતુ પુરતો સામાન નહી લાવી અને ફર્નિચરનુ કામ નહી કરી આપી માલિક સાથે ઠગાઇ કરવામા આવી હતી. જેની ફરિયાદ ગાંધીનગરના ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનમાં 23 મેના રોજ નોંધાઈ હતી. પરંતુ આરોપી હેરીન નરેશભાઇ પંચાલ ઘણા સમયથી નાસતો ફરતો હતો. આ ફરાર આરોપીને શોધી કાઢવા ગાંધીનગર ઈન્ફોસિટી પોલીસ તરફથી વડોદરા શહેર પોલીસને જાણ કરાતાં ક્રાઇમ બ્રાન્ચની ટિમ દ્વારા આ આરોપીની ટેકનીકલ-હ્યુમન સોર્સથી સતત તપાસ કરાઈ હતી. ત્યારે આ આરોપી હાલમાં યોગી અમૃત એપાર્ટમેંટ, નુતન ભારત સોસાયટી અલકાપુરી વડોદરા ખાતે રહેતો હોવાની માહીતી મળી હતી. જેના આધારે ક્રાઈમ બ્રાન્ચની ટિમે ત્યાં રેડ કરીને નાસતા ફરતા આરોપીને તેના વડોદરા ખાતેના મકાનેથી ઝડપી પાડયો હતો. ગાંધીનગરમાં પોલીસ જાણ કરાતા વડોદરા આવી ઇન્ફોસીટી પોલીસ સ્ટેશનની ટીમ આરોપીને આગળની કાર્યવાહી માટે લઈ ગઈ હતી.
