છોટાઉદેપુરના બે શખ્સ ઝડપાયાં, બાઇકની સીટ નીચે સાઇડના ખાનામાં મળીને 240 બોટલ સંતાડી ડિલિવરી આપવા માટે આવતા હતા
પ્રતિનિધિ વડોદરા તા.3
છોટાઉદેપુરથી વિદેશી દારૂનો જથ્થો ભરીને મકરપુરા ગામમાં દારૂનો ધંધો કરતા બૂટલેગર સુનિલ ઉર્ફે ચંદ્રાને ડિલિવરી આપવા બે શખ્સ બાઇક પર આવી રહ્યાં હતા. ત્યારે પીસીબી પોલીસે બંનેને ઝડપી પાડતા બાઇકની પેટ્રોલની ટાંકીમાં બનાવેલા ચોરખાના, સીટ નીચે બેગમાં બોટલ સંતાડેલી હતી. જેથી પીસીબીએ રૂ.72 હજારનો દારૂ અને બે બાઇક મળી રૂ. 1.82 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.
વડોદરા શહેરના મકરપુરા ગામમાં ગેરકાયદે દારૂનો ધંધો કરતા બુટલેગર સુનિલ ઉર્ફે ચંદ્રાએ વિદેશી દારૂનો જથ્થો મંગાવ્યો હતો. જેથી છોટાઉદેપુરના બે શખ્સ બાઇકની ટાંકીમાં ચોર ખાનું બનાવીને તેમાં દારૂની બોટલ સંતાડીને બુટલેગર દારૂની ડિલિવરી આપવા માટે આવી રહ્યા છે. બે અલગ અલગ બાઇક પર બે શખ્સ હાલમાં નેશનલ હાઇવે પરથી બળિયાદેવ મંદિર પાસેથી પસાર થઇને મકરપુરા ગામમાં પહોંચવાના છે. તેવી બાતમી પીસીબી પોલીસને મળી હતી. જેના આધારે પીસીબી પોલીસની ટીમે બાતમી મુજબના સ્થળ પર વોચ ગોઠવી હતી દરમિયાન બે બાઇક લઇને બે શખ્સ આવ્યાં હતા. જેથી પીસીબી પોલીસે બંને બાઇક ચાલકને ઉભા રખાવ્યાં હતા. પોલીસે મીતેષ માનસિંગ રાઠવા (રહે. પઢીયાર ફળીયુ, ગામ સિંગલા. તા.જી. છોટાઉદેપુર) તથા જયેશ અસલસિંગ રાઠવા (રહે. ધમોડી ફળીયુ, ગામ લુણી, તા.જી. છોટાઉદેપુર) ઝડપી પાડ્યાં હતા. તેમની પાસેના બેગ, બાઇકની સીટની નીચે તથા પેટ્રોલની ટાંકીમાં તપાસ કરી હતી ત્યારે તેમામાં ચોર ખાનું બનાવીને દારૂની બોટલ સંતાડેલી જોવા મળી હતી. જેથી પોલીસે રૂપિયા 70 હજારનો વિદેશી દારૂ, મોબાઇલ અને બે બાઇક મળી રૂ.1.82 લાખનો મુદ્દામાલ કબજે કરીને મકરપુરા પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવ્યો છે. જ્યારે સુનીલ ઉર્ફે ચંદ્રો (રહે. મોઇન પાર્ક, જશોદાકોલોની મકરપુરા, વડોદરા) નહી પકડાતા વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.