વડોદરાના પૂર્વ વિસ્તારમાં આવેલા ખોડિયારનગર ખાતે આવેલી જવેલર્સની દુકાનમાં ગ્રાહકનો સ્વાંગ રચી દુકાનદારની નજર ચુકવીને સોનાની ઢાળકીની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. ત્યારે આ ગુનામાં સંડોવાયેલી ઇરાની ગેંગના સાગરીતને ક્રાઈમ બ્રાન્ચની ટીમે ઠક્કર નાથ સ્મશાન પાસેથી ઝડપી પાડ્યો હતો. રોકડા રૂપિયા પંદર હજાર, રીક્ષા અને મોબાઈલ મળી રૂપિયા 60 હજારની મતા રિકવર કરી આરોપીને આગળની કાર્યવાહી માટે હરણી પોલીસને સોપાયો છે.
મિલ્કત સંબધી ગુનાઓ કરતાં આરોપીઓને ઝડપી પાડવા માટે શહેર વિસ્તારમાં ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ પેટ્રોલીંગમાં ફરી રહી હતી અને ઠકકરનાથ સ્મશાન રોડ નાઇરાના પેટ્રોલપંપ નજીક પહોચી હતી. ત્યારે એક શખ્સ બાઈક પર આવી રહ્યો હતો. તેની બાઈક પર નંબર પ્લેટ લગાડી ન હોય તેને ઉભી રાખવા ઇશારો કર્યો હતો પરંતુ આ શખ્સ પોલીસને જોઇ તેની પાસેની પરત વળાવી ભગવાનો પ્રયાસ કર્યો હતો. જેથી તે શંકાસ્પદ જણાતાં આ બાઈક સવાર બાદશાહ અલી અસગર અલી સૈયદ ( રહે. દેવઝિરી કોલોની વોર્ડ 4 સેંધવા જી.બડવાણી મધ્યપ્રદેશ)ને ઝડપી પાડ્યો હતો. પોલીસ દ્વારા આ બાઈક સવારની ઝડતી કરવામાં આવી હતી ત્યારે તેની પાસેથી રોકડા રૂ.15 હજાર, મોબાઇલ મળી આવ્યો હતો. મોબાઈલ અને બાઇકના આધાર-પુરાવા ન હોય પુછપરછ કરતા તેણે જણાવ્યું કે તેણે સાગરીતો સાથે મળી આજથી આશરે પોણા બે મહીના પહેલા વડોદરામાં ખોડિયારનગર ખાતેની જવેલર્સની દુકાને ગ્રાહક તરીકે જઇ દુકાનદારને વાતોમાં પરોવી તેની નજર ચુકવી દુકાનના ડ્રોવરમાંથી સોનાની ત્રણ ઢાળકીની ચોરી કરી હતી અને તેની ચોરીની સોનાની ત્રણ ઢાળકી વેચી નાખી હતી. ઉપરાંત પોણા બે વર્ષ પહેલા કરજણ બજારમાં આવેલી જવેલર્સની દુકાનમાંથી સોનાના દાગીના તેમજ આજથી આશરે ત્રણ મહીના પહેલા દેવગઢ બારીયા ખાતે બજારમાં સોનીની દુકાનમાંથી સોનાની બુટીની ચોરી કર્યાની કબુલાત કરી હતી. ચોર પાસેથી રોકડા રૂ. 15 હજાર એક મોબાઇલ અને બાઈક મળી રૂ.60 હજારનો મુદ્દામાલ રિકવર કર્યો છે. વડોદરાના ખોડિયારનગર ખાતેની જવેલર્સની દુકાનેથી સોનાની ઢાળકી ચોરી કરવા અંગે હરણી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હોય આરોપીને ત્યાં સોંપવામાં આવ્યો છે.
