રેતીનો સ્ટોક કરવા ઓનલાઈન કરેલી અરજીને મંજૂર કરવા લાંચ માંગી :
નર્મદા એસીબીએ છટકું ગોઠવ્યુ, મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી, આઈ.ટી એક્ઝિક્યુટિવ,રોયલ્ટી ઇન્સ્પેક્ટર સહિત સિનિયર ક્લાર્ક ઝડપાયા :
( પ્રતિનિધિ )વડોદરા,તા.13
રેતીનો સ્ટોક કરવા કરેલી અરજી મંજૂર કરવા માટે રૂપિયા બે લાખની લાંચની રકમ માંગનાર વડોદરા ખાણ ખનીજ વિભાગના ઇન્ચાર્જ અધિકારી સહિત ચાર કર્મચારીઓ સામે નર્મદા એસીબીએ કાર્યવાહી કરતા લાંચિયા તત્વોમાં ભારે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

વડોદરા ખાણ ખનીજ વિભાગ ખાતે ફરિયાદીએ રેતીનો સ્ટોક કરવા અંગે ઓનલાઇન અરજી કરી હતી. જે અરજીના કામે કોઠી કચેરી ખાતે ખાણ ખનીજ વિભાગના સિનિયર ક્લાર્ક યુવરાજસિંહ દિલીપસિંહ ગોહિલ ને મળ્યા હતા. જેઓએ આ અરજી મંજૂર કરવાના કામે કચેરીના તમામ સ્ટાફને વ્યવહાર પેટે રૂ.2,00,000ની લાંચની માંગણી કરી હતી. જે લાંચની માંગણીની રકમ ફરિયાદી આપવા માંગતા ન હતા. તેઓએ એન્ટીકરપ્શન બ્યુરોનો સંપર્ક સાધ્યો હતો. જેના કારણે 12 મી તારીખના રોજ એસીબીએ છટકાનું આયોજન કર્યું હતું અને ફરિયાદીને સિનિયર ક્લાર્ક વર્ગ ત્રણના યુવરાજસિંહ ગોહિલે બીએપીએસ હોસ્પિટલ પાસે પ્રેમાવતી રેસ્ટોરન્ટ ખાતે લાંચની રકમ લઈને બોલાવ્યા હતા. જ્યાં યુવરાજસિંહ ફરિયાદી પાસેથી વાતચીત કરી લાંચની રકમ સ્વીકારતા એસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યો હતો. આ સાથે યુવરાજસિંહને લાંચ લેવા માટે મોબાઈલ ફોન ઉપર સંમતિ આપનાર કુબેર ભુવન ખાણ ખનીજ વિભાગના વર્ગ બે ના મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી રવિ કુમાર કમલેશકુમાર મિસ્ત્રી તથા વર્ગ 3 ના આઈ.ટી એક્ઝિક્યુટિવ કિરણભાઈ કાંતિભાઈ પરમાર તેમજ ખાણ ખનીજ વિભાગ વર્ગ 3 ના રોયલ્ટી ઇન્સ્પેક્ટર સંકેતભાઈ પટેલની પણ એસીબીએ રૂ.2 લાખની લાંચ કેસમાં ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
