સંકલનમાં શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોનીની તાકીદ બાદ અગાઉ મુલતવી રખાયેલા કામોની દરખાસ્ત પણ ફરી રજૂ કરાઈ
વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની આગામી 13 તારીખે મળનારી બેઠકમાં 215 કરોડના વિવિધ વિકાસ પ્રોજેક્ટ્સની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. જેમાં મુખ્યત્વે પાણી પુરવઠા, રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, અને આફોર્ડેબલ હાઉસિંગ વિભાગના મહત્વપૂર્ણ કામો રજૂ કરવામાં આવ્યા છે. ગત સપ્તાહમાં સ્થાયી સમિતિની બેઠકમાં એકસાથે તમામ કામોને મંજૂરી મળ્યા બાદ આ સપ્તાહમાં યોજાનારી સ્થાયીની બેઠકમાં અગાઉ મુલતવી રખાયેલા તમામ મુખ્ય કામોને આ વખતે ફરી એકવાર મંજૂરી માટે રજૂ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે ગત સપ્તાહમાં સંકલન બેઠકમાં જે પ્રકારે ભાજપના નવા પ્રમુખ ડૉ જયપ્રકાશ સોની દ્વારા વિકાસ કામોને લઈને જે તાકીદ કરવામાં આવી હતી તે બાદ હવે 215 કરોડના કામોની દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.
નિમેટા શુદ્ધિકરણ પ્લાન્ટના સંચાલન માટે નવી ઇજારા પદ્ધતિ
નિમેટા ખાતે આવેલા પાણી શુદ્ધિકરણ મથકોના સંચાલન અને નિભાવણી માટે પાંચ વર્ષની ઇજારો પદ્ધતિ અમલમાં મુકવાની દરખાસ્ત સ્થાયી સમક્ષ રજૂ કરવામાં આવી છે. આ માટે કુલ રૂ. 13.11 કરોડના ટેન્ડરને મંજૂરી માટે સ્થાયી સમિતિની આગામી બેઠકમાં નિર્ણય લેવાશે. એ પહેલાં, આ કામ માટેના અંદાજિત ખર્ચ રૂ.11.40 કરોડ હતો, પરંતુ ઇજારદાર પૂજા કન્સ્ટ્રક્શન દ્વારા ભાવ ઘટાડો કર્યા બાદ 15% વધારા સાથે દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.
આજવા સરોવર ખાતે પોન્ટુન બેસાડીને પાણીની ક્ષમતા વધારાશે
પાણી પુરવઠા સુધારવા માટે આજવા સરોવર ખાતે 50 MLD ક્ષમતાના પોન્ટુન્સ બેસાડવાના અને પાંચ વર્ષ સુધી તેના ઓપરેશન અને મેન્ટેનન્સના પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી. આ માટે રૂ. 27.07 કરોડના ખર્ચની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરવામાં આવી છે. આ પ્રોજેક્ટથી આજવા સરોવરમાં 2 ફૂટ જેટલું પાણી વધશે, અને નર્મદા કેનાલમાંથી 120 ક્યુસેક વધુ પાણી મેળવવા શકાશે.
રોડ પ્રોજેક્ટ માટે રૂ.75.39 કરોડના 14 કામોની દરખાસ્ત
શહેરના વિવિધ વિસ્તારોમાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવા માટે 75.39 કરોડના 14 જુદા જુદા કામોની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે.
સ્થાયી સમક્ષ રજૂ કરાયેલા મુખ્ય કામો :
વોર્ડ 11થી લાલ ગુરુ સર્કલ સુધી રસ્તો વાઈડનિંગ: રૂ.9,00,86,872
સુસેન ચાર રસ્તાથી હનુમાનજી મંદિર સુધીનો રસ્તો: રૂ.12,89,85,278
ભવન સર્કલથી પ્રતાપ નગર સુધીનો માર્ગ: રૂ.7,31,14,377
ફતેગંજ પોલીસ સ્ટેશનથી છાણી સુધીનો માર્ગ: રૂ.6,28,49,022
ગાજરાવાળી પાણીની ટાંકીથી યમુના મિલ ચાર રસ્તા સુધીનો માર્ગ: રૂ.5,43,66,978
વિહાર ટોકીઝની સામેથી ઈદગા મેદાન સુધીનો આરસીસી રોડ: રૂ.6,39,90,138
આફોર્ડેબલ હાઉસિંગ વિભાગના વધારાના ચુકવણાની મુલતવી દરખાસ્ત ફરી રજૂ
સ્થાયી સમિતિની બેઠકમાં અગાઉ મુલતવી રાખેલાં 18 કરોડના વધારાના ચુકવણાંને મંજૂરીની દરખાસ્ત ફરી એકવાર સ્થાયી સમક્ષ રજૂ કરાઈ છે. આ ઉપરાંત, શિવજી કી સવારી કાર્યક્રમ માટે 2023માં થયેલા ખર્ચની ચુકવણી સંબંધિત વિવાદ બાદ ફરીથી દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.
