NH-48 પર ફરી ‘ટ્રાફિક-ગ્રહણ’!
નેશનલ હાઇવે 48: વિકાસ કે વિનાશ?
વડોદરા: વડોદરા-કરજણ વચ્ચેનો નેશનલ હાઇવે નંબર 48 ફરી એકવાર વાહનચાલકો માટે માથાનો દુખાવો બન્યો છે. પોર ગામ નજીક હાઇવે પર આજે ટ્રાફિક જામના વિકરાળ દ્રશ્યો સર્જાયા હતા, જેના કારણે અંદાજિત 5 થી 10 કિલોમીટર જેટલો લાંબો વાહનોનો કાફલો અટવાઈ ગયો હતો.

મુંબઈ-અમદાવાદને જોડતા આ અતિ વ્યસ્ત હાઇવે પર ટ્રાફિક જામની આ ઘટનાથી હજારો મુસાફરો અને માલવાહક વાહનોના ડ્રાઇવરોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે.
સૂત્રો અને સ્થાનિક લોકોના મતે, આ લાંબા ટ્રાફિક જામ પાછળના મુખ્ય કારણ સાંકડા બ્રિજ પોર, જાંબુઆ અને બામણગામ નજીકના કેટલાક બ્રિજનું બાંધકામ માર્ગની પહોળાઈ કરતાં ઓછા હોવાથી વાહનોની ગતિ અચાનક ધીમી પડી જાય છે, જે મોટા જામનું મુખ્ય કારણ બને છે.

વરસાદને કારણે પડેલા ખાડા અને રસ્તાનું બિસ્માર લેવલ પણ વાહનોની ગતિ ઘટાડી દે છે. તહેવારની મોસમ હોય કે સામાન્ય દિવસ, આ હાઇવે પર ભારે ટ્રક અને ટ્રાન્સપોર્ટ ટ્રાફિકનું ભારણ સતત રહે છે. આશરે 5 થી 10 કિલોમીટર લાંબા ટ્રાફિક જામના કારણે વાહનોની કતારો લાગી ગઈ હતી, જેના પગલે ઘણા વાહનચાલકોને કલાકો સુધી પોતાના વાહનોમાં અટવાઈ રહેવું પડ્યું હતું.નોકરી-ધંધા પર જતા લોકો અને મુસાફરો નિર્ધારિત સમય કરતાં ઘણા મોડા પડ્યા હતા. પેટ્રોલ-ડીઝલનો મોટો બગાડ થયો હતો.
સ્થાનિકોમાં આ રોજબરોજની સમસ્યાને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાહનચાલકોની માંગ છે કે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI) અને સ્થાનિક વહીવટી તંત્ર આ કાયમી સમસ્યાનો તાત્કાલિક અને કાયમી ઉકેલ લાવે. જોકે, અધિકારીઓ તરફથી બ્રિજનું વિસ્તરણ કાર્ય પ્રગતિમાં હોવાનું જણાવવામાં આવે છે, પરંતુ હાલની પરિસ્થિતિમાં કોઈ ખાસ રાહત જોવા મળી રહી નથી.