Vadodara

વડોદરા : એરપોર્ટ પરિઘમાં આવેલા ઘરો અને વૃક્ષો દૂર કરાશે : ઉડ્ડયન મંત્રાલય દ્વારા નવી નીતિ બનાવાઈ

અમદાવાદ દુર્ઘટના બાદ સરકાર એક્શનમાં,નોટિફિકેશન બહાર પાડ્યું : જનતાનો અભિપ્રાય લેવાશે

ઈમારત અથવા ઝાડના માલિકને 60 દિવસની નોટિસ જારી કરશે

( પ્રતિનિધિ )વડોદરા,તા.21

એરપોર્ટ પાસે ઘર હોય તો હવે મોટી ઉપાધિ આવી શકે છે. અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ સરકારે ગંભીરતા દાખવી છે. એરપોર્ટના પરિઘમાં આવતા મકાન અને વૃક્ષો પાડવા માટે નાગરિક ઉદયન મંત્રાલય દ્વારા નવી નીતિ બનાવવામાં આવી છે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જ્યારે આ સમગ્ર મામલે નાગરિકોનો અભિપ્રાય પણ લેવામાં આવશે.

અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટના પછી, નાગરિક ઉડ્ડયન મંત્રાલયે ભારતીય વિમાન અધિનિયમ 2024 માં ફેરફાર કર્યા છે. મંત્રાલયે આ અંગે ઔપચારિક સૂચના જાહેર કરી છે. આ સૂચના તમામ એરપોર્ટ અને જિલ્લા કલેક્ટરોને આપવામાં આવી છે. તેમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે જો એરપોર્ટની આસપાસ બાંધવામાં આવેલા ઘરો અથવા વૃક્ષો ચોક્કસ પરિઘમાં આવે છે, તો તેને દૂર કરવામાં આવશે. જો કે સરકાર તેના માટે જનતાનો અભિપ્રાય પણ લેશે. આ સૂચનામાં જણાવાયું છે કે, કોઈપણ પ્રકારના વિવાદના કિસ્સામાં, વ્યક્તિ નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલયમાં પોતાનો મુદ્દો રજૂ કરી શકે છે. મંત્રાલયે આ ફેરફારને એરક્રાફ્ટ નિયમ 2025 નામ આપ્યું છે. તેમાં જણાવાયું છે કે જે પણ ઇમારત અને ઘર અથવા અન્ય કોઈપણ બાંધકામ એરપોર્ટના ચોક્કસ વિસ્તાર જેને એરોડ્રોમ કહેવાય છે તેના કાર્યક્ષેત્રમાં આવે છે તો તેના માલિકને નોટિસ આપ્યા પછી દૂર કરી શકાય છે.

60 દિવસની મોહલત મળશે

આ સૂચનામાં જણાવાયું છે કે એરપોર્ટ જે પણ રાજ્ય અથવા જિલ્લામાં સ્થિત હોય, તે એરપોર્ટના મેનેજિંગ અધિકારી પ્રતિબંધિત વિસ્તારમાં પડેલા મકાન અથવા વૃક્ષને તોડી પાડતા પહેલા તેના માલિકને યોગ્ય સૂચના જારી કરશે. આ સૂચનાનો સમયગાળો 60 દિવસનો રહેશે. આનો અર્થ એ છે કે નોટિસ જારી થયાના 60 દિવસની અંદર ઈમારત અથવા ઝાડનો માલિક પોતે તેને દૂર કરશે. જો તે આમ નહીં કરે, તો નિયમો મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

નોટિસનો સમયગાળો વધારી શકાય છે

એરપોર્ટ અધિકારીઓ પહેલા પ્રતિબંધિત વિસ્તારમાં આવેલી કોઈપણ ઇમારત અથવા ઝાડનો રિપોર્ટ ડીજીસીએને આપશે અને પછી તે ઈમારત અથવા ઝાડના માલિકને 60 દિવસની નોટિસ જારી કરશે. જો ડીજીસીએને એવું લાગે છે, તો તે નોટિસનો સમયગાળો બીજા 60 દિવસ માટે લંબાવી શકે છે. એરપોર્ટના ઇન્ચાર્જ અધિકારી પોતે સ્થળ પર જશે અને સંબંધિત ઇમારત અથવા ઝાડનું નિરીક્ષણ કરશે અને ડીજીસીએને તેનો લેખિત રિપોર્ટ સુપરત કરશે.

અપીલ કરવાની પણ તક મળશે

જો કોઈ મકાનમાલિક અથવા મકાન માલિકને એરપોર્ટ ઓફિસર, ઇનચાર્જની નોટિસ અંગે કોઈ ફરિયાદ હોય, તો તે પ્રથમ અપીલ અધિકારી અથવા બીજા અપીલ અધિકારી પાસે તેની સામે વિરોધ નોંધાવી શકે છે. આ માટે, સહાયક દસ્તાવેજો અને એક હજાર રૂપિયા ફી જમા કરાવવાની રહેશે. જો અપીલ છતાં, ઈમારત અથવા વૃક્ષનો માલિક પોતાનો કેસ સાબિત કરવામાં અસમર્થ રહે છે, તો નોટિસ અવિધ સમાપ્ત થયા પછી, તે ઇમારતનું કદ ઘટાડી શકાય છે અથવા વૃક્ષ કાપી શકાય છે.

Most Popular

To Top