Vadodara

વડોદરામાં રાજ્ય ચૂંટણી પંચના આદેશથી મતદાર યાદી સુધારણા ઝુંબેશનો પ્રારંભ

સતત ચાર રવિવાર મતદાન મથકો ખુલ્લા રહેશે

નવા નામ ઉમેરવા, સરનામું બદલવા અને મોબાઈલ-ઈમેલ અપડેટ માટે ખાસ આયોજન; તહેવારોના દિવસોમાં પણ નાગરિકોનો બહોળો પ્રતિસાદ

વડોદરા:
રાજ્ય ચૂંટણી પંચના નિર્દેશો અનુસાર વડોદરા શહેરમાં નવું મતદાર યાદી સુધારણા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનના ભાગરૂપે આજથી આગામી ચાર રવિવાર સુધી શહેરભરના તમામ મતદાન મથકો પર મતદારો પોતાના મતાધિકાર સંબંધિત કામગીરી સરળતાથી કરાવી શકશે. નવરાત્રીના પવિત્ર તહેવારની શરૂઆત સાથે જ આ વિશેષ અભિયાનનો પ્રારંભ થયો હોવા છતાં, નાગરિકો અને ખાસ કરીને ગૃહિણીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકો મતદાન મથકો પર પહોંચી રહ્યા છે.
​વડોદરાની મધ્યવર્તી શાળા ખાતે ફરજ બજાવતા બીએલઓ એ જણાવ્યું હતું કે આ ચાર રવિવાર સુધી ચાલનારા કાર્યક્રમમાં નાગરિકો નવા નામ ઉમેરવા, સરનામું બદલવા, નામ કમી કરાવવા તેમજ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડી અપડેટ કરાવવા જેવી તમામ પ્રક્રિયાઓ કરાવી શકશે. તંત્ર દ્વારા ફોર્મ ભરવાની કામગીરીમાં પણ પૂરતો સહયોગ આપવામાં આવી રહ્યો છે જેથી લોકોને કોઈપણ પ્રકારની અગવડ કે ધક્કાધક્કીનો સામનો કરવો ન પડે.
​હાલમાં નવરાત્રી પર્વની વ્યસ્તતા વચ્ચે પણ ગૃહિણીઓ આ સુવિધાનો સક્રિયપણે લાભ લઈ રહી છે. પોતાના સરનામામાં ફેરફાર કરાવવા આવેલી એક ગૃહિણીએ જણાવ્યું હતું કે, રવિવારના દિવસે આ વિશેષ આયોજન કરવામાં આવવાથી અને સ્થળ પર જ ફોર્મ ભરવાની સુવિધા મળવાથી ખૂબ જ રાહત થઈ છે અને લાંબા અંતર સુધી ધક્કા ખાવા પડતા નથી.
​ચૂંટણી તંત્ર દ્વારા આગામી બાકી રહેલા ત્રણ રવિવારો દરમિયાન પણ આ સુવિધા ચાલુ રાખવામાં આવશે. વડોદરાના જે પણ નાગરિકો કે મતદારો પોતાની મતદાર યાદીમાં કોઈ સુધારા-વધારા કરવા માંગતા હોય અથવા નવું નામ નોંધાવવા માંગતા હોય, તેઓ પોતાના નિર્ધારિત મતદાન મથક પર પહોંચીને આ યોજનાનો લાભ લઈ શકે છે.

Most Popular

To Top