લક્ષ્મી ફરસાણ અને જગદીશ ફરસાણ પર લાગ્યા આક્ષેપ, નાગરિકોના આરોગ્ય સાથે ચેડા
વડોદરા શહેરમાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તાને લઈને ફરી એકવાર પ્રશ્નો ઉઠ્યા છે. શહેર કોંગ્રેસના મહામંત્રી હસમુખ પરમારે લક્ષ્મી ફરસાણ નામની દુકાનમાંથી મીઠાઈ ખરીદી હતી, જે ફૂગયુક્ત નીકળતા તેમણે તુરંત પાલિકાના ફૂડ વિભાગને જાણ કરી હતી. આ ઘટનાને પગલે ફૂડ વિભાગની ટીમ દુકાને પહોંચી અને અંદાજે 65 કિલો જેટલી બિનઅરોગ્યપ્રદ મીઠાઈનો નાશ કર્યો તેમજ સેમ્પલ લઈને તપાસ માટે મોકલ્યા.
તાજેતરમાં ઉતરાયણ પૂર્વે લેવામાં આવેલા ખાદ્ય સેમ્પલના રિપોર્ટ હજુ સુધી જાહેર થયા નથી, જે ફૂડ વિભાગની બેદરકારીને ઉજાગર કરે છે. આ ઘટના બાદ વડોદરામાં ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્થાનિક અધિકારીઓની કામગીરી અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.

લક્ષ્મી ફરસાણ પછી, જગદીશ ફરસાણ નામની દુકાનનો વિવાદ પણ સામે આવ્યો છે. અહીં એક ગ્રાહકે ઑનલાઇન મીઠાઈ મંગાવી, જેના પેકિંગ પર “ઉપયોગ માટેની સમયમર્યાદા” ની સૂચના તો લખેલી હતી, પરંતુ “તે ક્યારે બનાવાઈ હતી?” એ સ્પષ્ટ નહોતું. ગ્રાહકે દુકાનનો સંર્પક કર્યો તો કહેવાયું કે અમે તાજી મીઠાઈ પેક કરીને આપીએ છીએ તેથી મેનુફેકચર ડેટ લખવાની જરૂર નથી. જગદીશની આ મીઠાઈ ગ્રાહકને મળી ત્યારે તે પેક સિલ થયેલું હતું. ગ્રાહકને સિલ પેક વાળી મીઠાઈ ક્યારે બની તે કેમ ખબર પડે. દુકાનના ડિસ્પ્લે માં પણ મીઠાઈ કયારે બની એનો ઉલ્લેખ નથી. ફૂડ વિભાગના અધિકારી ડૉ. મુકેશ વૈદ્યનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેમણે જવાબદારીમાંથી હાથ ઊંચા કરી દીધા. તેમના જણાવ્યા અનુસાર, ઑનલાઇન ઓર્ડર કરેલી ખાદ્ય ચીજો માટે ફૂડ વિભાગ કોઈ જવાબદારી લેતું નથી. આ જવાબદારી Swiggy અને Zomato જેવી ઓનલાઈન ડિલિવરી કંપનીઓની હોવી જોઈએ, એમ તેમણે જણાવ્યું.
આ નિવેદન કેટલું માન્ય છે તે ચર્ચાનો વિષય છે, કારણ કે જો ખાદ્ય પદાર્થો માટે સરકારના કાયદાઓ લોકલ દુકાનો માટે લાગુ પડે છે, તો ઑનલાઇન પ્લેટફોર્મ માટે પણ તે જ માપદંડો લાગુ પડવા જોઈએ. પરંતુ હાલ, ફૂડ વિભાગના બેદરકાર અભિગમને કારણે નાગરિકોના આરોગ્ય સાથે ચેડાના સંકેત છે.
આજના સમયમાં, શહેરમાં અનેક ફરસાણની દુકાનો અને રેસ્ટોરન્ટો કાર્યરત છે, પરંતુ ફૂડ વિભાગ દ્વારા કાયદાનું ચુસ્ત પાલન કરાવવામાં નિષ્ફળતા જોવા મળે છે. નિયમો અનુસાર, જ્યાં ખાદ્ય પદાર્થો બનાવવામાં આવે છે, ત્યાં બોર્ડ લગાવવવા જોઈએ કે એ ચીજવસ્તુઓ શેમાંથી બને છે, અને ક્યારે બની છે. પણ મોટાભાગની દુકાનોમાં આવા બોર્ડ જોવા મળતા નથી.
જો યોગ્ય ચેકિંગ ન થાય અને દોષિતોને આકરી સજા ન કરવામાં આવે, તો નાગરિકોના આરોગ્ય સાથે ચેડા થતો રહેશે. આવી ઘટનાઓને જોતા, ફૂડ વિભાગની ભૂમિકા પર પણ શંકા ઊભી થાય છે. જો પાલિકા દ્વારા નિયમિત ચેકિંગ કરાયું હોત, તો લક્ષ્મી ફરસાણ જેવી દુકાનો લોકોને અખાદ્ય મીઠાઈ વેચી શકતી નહીં. જો Swiggy અને Zomato જેવી કંપનીઓ પર પણ નિયંત્રણ હોત, તો ઑનલાઇન ઓર્ડર કરનાર ગ્રાહકો માટે ભ્રમજનક માહિતી ન રહેત. જો ફૂડ વિભાગના અધિકારીઓ જવાબદારી લેતા હોત, તો નાગરિકોને સ્વચ્છ અને સલામત ખાદ્ય પદાર્થો મળી શકે. પરંતુ, આજની પરિસ્થિતિ બતાવે છે કે ફૂડ વિભાગના અધિકારીઓની બેદરકારીને કારણે જ આવાં કિસ્સાઓ બને છે. ફૂડ વિભાગના બેદરકાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવી જોઈએ, જેથી તેઓ જવાબદારી લે અને નાગરિકોના આરોગ્ય માટે કાર્ય કરે.
